Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'?
Israel Iran War: તમે થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં શાકભાજી, ફળો અને માછલીઓના તરતા બજારો (Floating Markets) જોયા હશે, જ્યાં હોડીઓમાં ભરેલો સામાન એક ખરીદનારથી બીજા ખરીદનાર સુધી પહોંચતો રહે છે. કંઈક આવું જ દ્રશ્ય હવે વૈશ્વિક તેલ બજારમાં પણ જોવા મળી રહ્યું છે. ફર્ક માત્ર એટલો છે કે અહીં શાકભાજી કે માછલીઓને બદલે રશિયન ક્રૂડ ઓઈલ છે અને નદીઓને બદલે હિંદ મહાસાગર અને એશિયાઈ સમુદ્રોમાં તેનો વેપાર થઈ રહ્યો છે.

મધદરિયે ફસાયા તેલના ટેન્કરો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પાસે દરિયાઈ શિપિંગ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ માર્ગ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંનો એક છે. અહીં વધતા તણાવને કારણે ઘણા દેશોએ અન્ય સ્થળોએથી તેલનો પુરવઠો શોધવો પડી રહ્યો છે. આ જ કારણે રશિયન ક્રૂડ ઓઈલ અને ઈંધણથી ભરેલા અનેક ટેન્કરો હવે એશિયાઈ દરિયાઈ માર્ગો પર કોઈ નક્કી મંજિલ વગર ઘૂમી રહ્યા છે, બરાબર એવી જ રીતે જેમ તરતા બજારમાં વેપારીઓ ગ્રાહકની રાહ જોતા હોય છે.
ભારતને કેવી રીતે થશે ફાયદો?
ભારતમાં અત્યારે તેલની અછત નથી. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં આપણી પાસે પૂરતો સ્ટોક છે. પરંતુ જો ભારત આ તકનો યોગ્ય રીતે ઉપયોગ કરે, તો સમુદ્રમાં જે તેલ પડ્યું છે તેને ખૂબ જ ઓછા ભાવે ખરીદી શકે છે. આનાથી ભારતમાં તેલની કિંમતો ઘટાડી શકાશે અને જો યુદ્ધ લાંબુ ચાલે તો પણ તેલની અછતનો ખતરો નહિવત રહેશે. આ જથ્થામાં 3.1 લાખ ટન તેલ રિફાઈન્ડ છે, જેનાથી પ્રોસેસિંગમાં લાગતો સમય અને નાણાં બંને બચશે. ભારતમાં દરરોજ 7,07,000 ટન ક્રૂડ ઓઈલ 23 રિફાઈનરીઓમાં રિફાઈન થાય છે, એવામાં જો આ તેલ મળે તો 6 મહિનાનો સ્ટોક એકસાથે મળી શકે છે.
અમેરિકાની છૂટછાટ કેટલી કારગત?
અમેરિકી સરકાર દ્વારા આપવામાં આવેલી કામચલાઉ છૂટછાટ બાદ, એશિયાઈ દરિયાઈ વિસ્તારમાં લગભગ 30 તેલ ટેન્કરોમાં ભરેલું રશિયન ક્રૂડ ઓઈલ હવે ખરીદી માટે ઉપલબ્ધ છે. બ્લૂમબર્ગ અને કેપ્લરના ડેટા મુજબ, આ ટેન્કરોમાં ઓછામાં ઓછું 1.9 કરોડ બેરલ રશિયન ક્રૂડ ઓઈલ અને 3.1 લાખ ટન રિફાઈન્ડ પેટ્રોલિયમ પેદાશો છે.
મધદરિયે લાગી રહી છે તેલની બોલી
ઘણા જહાજો પર 'For Orders' લખેલું હોય છે, જેનો અર્થ છે કે તેમનું કોઈ નક્કી ઠેકાણું નથી અને જે દેશ પહેલા ખરીદે તેને વેચી શકાય છે. સરળ ભાષામાં કહીએ તો, મધદરિયે તેલના ટેન્કરોની બોલી લાગી રહી છે. સિંગાપોર અને મલેશિયા જેવા સ્થળો હાલમાં 'વેઇટિંગ રૂમ' બની ગયા છે જ્યાં સોદા નક્કી થાય છે.
રશિયન 'યુરાલ્સ ક્રૂડ'ની ફરી માંગ વધી
રશિયા-યુક્રેન યુદ્ધના પ્રતિબંધોને કારણે રશિયાએ આ તેલ ભારે ડિસ્કાઉન્ટ પર વેચવું પડતું હતું. પરંતુ હવે મિડલ ઈસ્ટ સંકટને કારણે સપ્લાયની ચિંતા વધતા રશિયન તેલ ફરીથી ખરીદદારોની પહેલી પસંદ બની ગયું છે. આનાથી વ્લાદિમીર પુતિન સરકારને આર્થિક ફાયદો થઈ રહ્યો છે, જે યુક્રેન સામેના યુદ્ધ માટે તેમનો રેવન્યુ વધારવામાં મદદરૂપ છે.
ભારત અને ચીન સૌથી મોટા ખરીદદારો
રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદારોમાં ભારત (India) અને ચીન (China) સામેલ છે. બંને દેશોએ રશિયન તેલની આયાત (Import) વધારી દીધી છે કારણ કે તેમની રિફાઈનરીઓને ડર છે કે જો મિડલ ઈસ્ટનું સંકટ વધશે તો વૈશ્વિક સપ્લાય ખોરવાઈ શકે છે.
હાલમાં હિંદ મહાસાગર અને એશિયાઈ સમુદ્રનો અમુક હિસ્સો ખરેખર એક 'ફ્લોટિંગ ઓઈલ માર્કેટ' જેવો દેખાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
