સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે મારી બાજી, સમગ્ર દેશમાં મેળવ્યો પ્રથમ ક્રમ
clean air survey 2024, Surat: દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સમગ્ર દેશના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ 2023-24માં PM10 ના રજકણોમાં 12.71 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે.
ગત વર્ષ 2023માં યોજાયેલા સ્વચ્છ વાયુ સુર્વેક્ષણમાં સુરત શહેરને 13 મો ક્રમાંક મળ્યો હતો, અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું.
2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ 200 માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
સુરતની આ સિદ્ધિ બદલ આગામી 07 સપ્ટેમ્બરના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લિન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લિન એર સિટીના બહુમાન સાથે રૂપિયા 1.5 કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરાશે.
મેયર દક્ષેશ માવાણીએ પણ સુરત શહેરને શ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત થઈ સૌ સુરતવાસીઓને સાથ સહકાર બદલ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમા નંબર 1 બનાવવા બદલ શહેરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે, અને આ સફળતામાં સાથ-સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરી આ નાગરિકોની સિદ્ધિ હોવાનું જણાવ્યું હતું.
શું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ? - ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન-એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 ટકા ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019માં સ્વચ્છ વાયુ સર્વેક્ષણની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી.
શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે 08 પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.
સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોજેક્ટ્સ અને સઘન કામગીરીથી સુરત મનપાએ મેળવી સિદ્ધિ - સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 04 થી 05 વર્ષના સમયગાળા દરમિયાન હવાની ગુણવત્તા સુધારવાના ભાગરૂપે લગભગ રૂપિયા 5000 કરોડ જેટલી માતબર રકમના વિવિધ પ્રોજેકટસ અમલી બનાવ્યા છે.

જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની આશરે વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, 100 ટકા ઘરોમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે પરંપરાગત વાહનોને બદલે 35 ટકા જેટલા ઈ-વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં આશરે 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો થયો છે. શહેરીજનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટેક્ષના દરમાં લાભો આપી કુલ 50 ઈલેક્ટ્રિકલ ચાર્જીંગ, ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ ઉભી કરી છે.
વર્લ્ડ રિર્સોસીસ ઈન્સ્ટીટયુટના સહયોગથી કુલ 280 કાર્યરત પ્રોજેક્ટ્સમાં સ્વચ્છ બાંધકામ માર્ગદર્શિકાનું પાલન કરી કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા સાથે કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટની વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાઈ છે.
સુરતમાં જાહેર પરિવહન માટે કુલ 600 ઈ-બસોના લક્ષ્યાંક સામે પરંપરાગત બસોને બદલે 580 ઈ-બસો કાર્યરત કરી 114 કિમીના BRTS નેટવર્કમાંથી આશરે વાર્ષિક 66 મેટ્રિક ટન જેટલા કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે ગત 16 અને 17 ઓગસ્ટના રોજ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-CPCB, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-GPCB અને રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરીંગ સંશોધન સંસ્થા (NEERI)ના અધિકારીઓએ શહેરના વિવિધ પ્લાન્ટસ/પ્રોજેકટોની મુલાકાત લીધી હતી.












Click it and Unblock the Notifications
