Haryana Assembly Elections 2024 : હરિયાણામાં બાગીઓને નીપટવા કોંગ્રેસની ખાસ રણનીતિ, આ નેતાઓને જવાબદારી સોંપાઈ
Haryana Assembly Elections 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતથી જ કોંગ્રેસનો હાથ ઉપર છે. બીજેપીથી ભારે નારાજગીનો લાભ ઉઠાવવા સાથે કોંગ્રેસે બાગીઓને નીપટવા ખાસ રણનીતિ તૈયાર કરી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદની સ્થિતી છે. હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે અને કોંગ્રેસના દાવેદારોની સંખ્યા 2.5 હજાર સુધી પહોંચી ગઈ છે. ઘણા નેતાઓ ટિકિટ નહીં મળે તો બળવો કરી શકે છે.

કોંગ્રેસ હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. ઉમેદવારોની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. બળવાને પહોંચી વળવા કોંગ્રેસે ખાસ રણનીતિ બનાવી છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સિરસાના સાંસદ કુમારી સેલજા અને રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાને 2024ની હરિયાણા ચૂંટણીમાં બળવાને રોકવા માટે જવાબદારી સોંપી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે હરિયાણાના ત્રણ દિગ્ગજ નેતાઓને ટાર્ગેટ આપ્યો છે કે ટિકિટ ન મળવાથી નારાજ દાવેદારોને મનાવવાની જવાબદારી નિભાવે. બળવો કરીને અન્ય પક્ષોમાં જતા નેતાઓને પણ અટકાવવા કામ શરૂ થયુ છે. ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ અન્ય વિધાનસભા ક્ષેત્રમાં જઈને પ્રચાર કરવો ફરજીયાત છે.
જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એવી પણ બેઠકો છે જ્યાંથી 80 લોકોએ ટિકિટ માટે દાવો કર્યો છે. અહીં માત્ર એક વ્યક્તિને ટિકિટ મળવાની છે. આ સ્થિતિમાં બળવાનો ભય સતાવી રહ્યો છે.
કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા પહેલા હરિયાણા સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ અજય માકન અને કેસી વેણુગોપાલ રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓની બેઠક કરી રહ્યા છે.
દિલ્હીમાં હાઈકમાન્ડ હાલમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી પર વિચાર કરી રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યાદી જાહેર થઈ શકે છે. જણાવી દઈએ કે, હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન છે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે.












Click it and Unblock the Notifications
