હોટેલ અને સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે લાલ આંખ, 105ની ધરપકડ
રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડિંગ તથા હોટલ પર રેડ કરી છે.
આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી રેડ કરવામાં આવ્યા છે. પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં સમગ્ર રાજ્યમાંથી 152 આરોપીઓ સામે ગુના દાખલ કરી 103 એફઆઈઆર નોંધવામાં આવી છે.

152 આરોપીઓ પૈકી 105 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા 27 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તારીખ 17 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધીક્ષકો/રેન્જ અધિકારીઓ/પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર રેડ કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
આ અન્વયે સમગ્ર રાજ્યમાં તારીખ 18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટર્સ પર રેડ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
