Gujarat: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો, 207 માંથી 41 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ સિઝનનો કૂલ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 58.44 ઈંચ વરસાદ નોંધાયો છે.

અત્યાર સુધીમાં સિઝનનો કુલ 49.96 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ઝોન વાઈઝ જોઈએ તો, કચ્છમાં 58.44, ઉત્તર ગુજરાતમાં 45.92, મધ્ય પૂર્વમાં 48.03, સૌરાષ્ટ્રમાં 49.19, દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે.
207 માંથી 41 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં થયેલા વરસાદને કારણે 207 ડેમમાંથી 41 ડેમમાં 90 ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. 22 ડેમમાં 80 ટકાથી વધુ પાણી હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે 17 ડેમમાં 70 ટકાથી વધુ પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 126 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી હોવાથી કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી.
207 ડેમમાં 55.64 ટકા પાણીનો જથ્થો
રાજ્યના જળાશયોની વાત કરીએ તો 207 ડેમમાં 55.64 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં હાલમાં 50.99 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઝોન વાઈઝ સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમા 15 ડેમમાં 48.78, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 63.05, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 57.98, કચ્છના 20 ડેમમાં 55.91, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 63.22 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં મધ્ય ઝોનમાં 2, સાઉથમાં 2, કચ્છમાં 5, સૌરાષ્ટ્રમાં 16 ડેમ સંપૂર્ણ પણે છલકાઈ ગયાં છે.












Click it and Unblock the Notifications
