પોતાની જમીન નહી ધરાવતા પાંજળાપોળને પણ ગૌમાતા પૌષણ યોજનાનો લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીવદયાના હેતુસર ગૌવંશ રખરખાવ અને નિભાવણી કરતી સેવાભાવી સંસ્થાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ આપવા વધુ એક ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા રૂ. પ૦૦ કરોડના પ્રાવધાન સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરેલી છે. આ યોજના અન્વયે ગૌશાળા-પાંજરાપોળમાં રાખવામાં આવતા પ્રત્યેક પશુ માટે રોજના રૂ. ૩૦ પ્રમાણે સહાય અપાશે

મુખ્યમંત્રીએ એવો ઉદાત્ત નિર્ણય કર્યો છે કે હવે, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ આવી જે સંસ્થાઓ, ગૌશાળાઓ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમને પણ અપાશે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, અબોલ પશુજીવો પ્રત્યેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સંવેદનશીલ, ઉદાર અભિગમને પરિણામે હવે રાજ્યની વધુ ૧૨૦૦ જેટલી ગૌશાળા-પાંજરાપોળના પશુઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળતો થશે.
સમગ્રતયા રાજ્યભરની અંદાજે ૧૬૦૦ થી વધુ સંસ્થાઓના પાંચ લાખ જેટલા પશુઓને આ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ ભૂપેન્દ્ર પટેલના પશુજીવો પ્રત્યેના સંવેદનાસભર નિર્ણયથી મળશે. એટલું જ નહિ, તાલુકા કક્ષાની સમિતિ દર ત્રણ મહિને આવી સંસ્થાઓના સહાય પાત્ર પશુઓની સંખ્યાની ચકાસણી કરી જિલ્લાકક્ષાની સમિતિને વિગતો રજૂ કરશે. તેના આધારે જિલ્લા કલેકટર વિગતવાર સહાય માટેનો આદેશ/હુકમ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપશે.
તદઅનુસાર, ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા આવી સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેંક ખાતામાં ડી.બી.ટી. થી સીધી જ જમા કરાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
