Gujarat Weather: રાજ્યના 27 જિલ્લાઓમાં માવઠાની માર, હજુ 4 દિવસ આગાહી, ખેડૂતો ચિંતામાં
કમોસમી વરસાદથી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આવો જાણીએ ગુજરાતની લેટેસ્ટ હવામાન અપડેટ.

Gujarat Weather: રાજ્યમાં રવિવારે 27 જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભર ઉનાળે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કમોસમી વરસાદથી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરી તેમજ પાકને થયેલા નુકશાનની સમીક્ષા કરી હતી.

આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ફરીથી એક વાર વાતાવરણમાં પલટો આવશે. જેના પરિણામે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. 25, 26 અને 27 માર્ચે પણ ફરીથી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ અને કરા પડી શકે છે.

ઉના, ગીરગઢડામાં ગાજવીજ સાથે વરસાદ
તમને જણાવી દઈએ કે ઉના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. શનિવારે મોડી રાત સુધી કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરત અને અન્ય જિલ્લાઓમાં 15 મીમી વરસાદ જ્યારે રવિવારે સાંજ સુધીમાં 27 જિલ્લાના 111 તાલુકામાં 1થી 47 મીમી તેમજ 18 જિલ્લાના 33 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

માવઠાના લીધે ઉભા પાકને નુકશાન
રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેતરના ઉભા પાક અને લણણી કરી લીધેલા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયુ છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કેરીના પાકને પણ ભારે નુકશાન થયુ હતુ. જેમાં જૂનાગઢ અને અમરેલીમાં કેરી સહિતના પાકને વધુ નુકશાન થયુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકશાનની પ્રાથમિક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ માવઠાના લીધે કેરી, ઘઉં, જુવાર, શાકભાજી સહિતના પાકોમાં નુકશાન થયુ છે.












Click it and Unblock the Notifications
