Gujarat Weather: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઘણા સ્થળોએ ભારે વરસાદની આગાહી, રવિ પાકને નુકશાનની સંભાવના
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદની સંભાવના છે. વળી, 25 અને 26 નવેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટ મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ અન્ય અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

આઈએમડીના જણાવ્યા મુજબ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરુચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ આજથી વાદળા આવવાની શરુઆત થશે. આજે એટલે કે 24 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો જેવા કે વલસાડ, નવસારી, ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે. દાહોદ અને છોટાઉદેપુરમાં 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય ભાગોમાં વાતાવરણ સૂકુ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યુ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 24 કલાક બાદ રાતના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો જોવા મળશે. ત્યારબાદ ચાર-પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે માવઠાની આગાહીના પગલે ખેડૂતોને અને વેપારીઓને પોતાનો માલ તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે. વળી, ખેતરમાં રહેલા ઘાસચારાને પણ ઢાંકવાની સૂચના અપાઈ છે.
કમોસમી વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાકને મોટુ નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિયાળામાં શાકભાજી સસ્તા મળવાના બદલે તેના ભાવોમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. જે આવતા 15થી 20 દિવસ સુધી યથાવત રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
