રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે નહી જોવા મળે ડ્રામા કે રિસોર્ટ પોલિટિક્સ!
ભાજપના એસ જયશંકર, હિનેશચંદ્ર જેમલભાઇ અનાવડિયા અને લોખંડવાલા જુગલસિંહ માથુરજીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થઇ રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણી 2024ની તારીખની ઘોષણા કરી દીધી છે. 24 જુલાઇના રોજ રાજ્યસભા ચૂંટણી યોજાશે અને સાંજે 5 વાગ્યે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.

આ વખતેની રાજ્યસભા ચૂંટણી નિરસ જોવા મળશે કેમ કે ભાજપ ત્રણેય સીટ આરામથી જીત શકે તેમ છે અને કોંગ્રેસ પાસે એક સીટ પણ જીતવા પૂરતું સંખ્યાબળ નથી. કોંગ્રેસના 19 અને આમ આદમી પાર્ટીના 5 મળી કુલ 24 ધારાસભ્યો કોંગ્રેસને એકેય સીટ જીતાવી શકે તેમ નથી.
જેને કારણે આ વખતેની રાજ્યસભાની ચૂંટણીમાં કોઈ ડ્રામા કે રિસોર્ટ પોલિટિક્સ જોવા નહીં મળે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રિસોર્ટ પોલિટીક્સ શરૂ કરવાનો શ્રેય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને આપી શકાય જેઓ ભાજપમાં હતા ત્યારે પોતાની જ પાર્ટી વિરુદ્ધ બળવો કરી 47 ધારાસભ્યોને ખજૂરાહોમાં લઇ ગયા હતા અને રાતોરાત કેશુભાઇ પટેલની ખુરશી છીનવી લીધી હતી.
આવી જ રીતે ગત રાજ્યસભા ચૂંટણીમાં પણ રિસોર્ટ પોલિટિક્સ રમાયું હતું. તે વખતે કોંગ્રેસ 1 સીટ જીતી શકે તેમ હતી અને ભાજપ 2 સીટ જીતી શકે તેમ હતી છતાં ભાજપે પોતાના ત્રણેય ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હોવાથી કોંગ્રેસના ચાણક્ય અહમદ પટેલને પોતાના ધારાસભ્યો પક્ષપલટો કરે તેવો ડર લાગ્યો અને તેઓ રાતોરાત કોંગ્રેસના 40થી વધુ ધારાસભ્યોને બેંગ્લોરના ઈગલટન રિસોર્ટ લઇ ગયા હતા.
જ્યારે રાજ્યસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ના હોવાથી ભાજપ બિનહરીફ આ ચૂંટણી જીતી શકે છે. ભાજપના સંભવિત ઉમેદવારોમાં એસ જયશંકરને મંત્રી હોવાથી રિપિટ કરવામાં આવી શકે છે. જ્યારે દિનેશચંદ્ર જેમલભાઇ અનાવડિયા અને લોખંડવાલા જુગલસિંહ માથુરજીમાંથી કોઈ એક ઉમેદવારે નો-રિપિટ કરવામાં આવી શકે છે. હવે નવો ચહેરો કોણ હશે તે જોવું રસપ્રદ રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની સાથે જ ગોવાની 1 અને પશ્ચિમ બંગાળની 6 રાજ્યસભા સીટ માટે ચૂંટણી યોજાવાની છે.












Click it and Unblock the Notifications
