રાજ્ય સરકાર શરૂ કરશે 33 કરોડના ખર્ચે 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર્સ
રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા ભજવે છે, અને તેથી જ રાજ્ય સરકાર વધુમાં વધુ સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરી લોકોનું જીવન સરળ કરવા પર ખાસ ધ્યાન આપી રહી છે.
જે અનુસાર રાજ્ય સરકાર લોકોની ઈઝ ઑફ લિવિંગને સુદ્રઢ બનાવવા માટે માત્ર મોટા શહેરો જ નહીં, પણ નાના શહેરોમાં પણ કામગીરી કરી રહી છે, અને તેના માટે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2023-24 દરમિયાન રાજ્યની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાના શહેરોમાં શરૂ થનારા આ સિટી સિવિક સેન્ટર્સ માટે ગુજરાત સરકારે રૂપિયા 33 કરોડની ફાળવણી કરી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં 157 નગરપાલિકાઓ છે કે, જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર ખોલવા માટે સહાય અપાય છે. વર્ષ 2022-23માં રાજ્યની 22 નગરપાલિકાઓમાં 22 સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા હતા અને હવે વર્ષ 2023-24માં વધુ 66 નગરપાલિકાઓમાં 66 સિટી સિવિક સેન્ટર્સ શરૂ થશે કે, જેથી રાજ્યની નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર્સની સંખ્યા વધીને 88 થઈ જશે.
રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં તો મોટાભાગે શહેરીજનોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે અને તે જરૂરિયાતને જોતા રાજ્ય સરકાર નાના શહેરોમાં પણ એક પછી એક સિટી સિવિક સેન્ટર શરૂ કરી રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી એક સાથે 21 સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું.
શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે વર્ષ 2023-24માં 33 કરોડના ખર્ચે 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર્સને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂર કરવામાં આવેલા 66 સિટી સિવિક સેન્ટર્સમાં અ વર્ગની નગરપાલિકાઓમાં 22, બ વર્ગની નગરપાલિકાઓમાં 30 તેમજ ક વર્ગની નગરપાલિકાઓમાં 14 સિટી સિવિક સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.
નાગરિકોને મહાનગરપાલિકા કે નગરપાલિકાને લગતી તમામ સેવાઓ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય, તેવા આશયથી સિટી સિવિક સેન્ટર તૈયાર કરવામાં આવે છે. સિટી સિવિક સેન્ટરમાં શહેરીજનો મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હૉલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજા ચિઠ્ઠી, ફાયર એનઓસી અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી મહાનગર પાલિકાઓ-નગર પાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઑનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમ સિટી સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શૉપ તરીકે કામ કરે છે.
ઉપલબ્ધ આંકડા મુજબ રાજ્યની નગરપાલિકાઓમાં સ્થાપવામાં આવેલા સિટી સિવિક સેન્ટર્સની 50 હજારથી વધુ શહેરીજનોએ મુલાકાત લીધી અને તેમને એક જ સ્થળેથી જુદી-જુદી સેવાઓનો લાભ પણ પ્રાપ્ત થયો છે. આ અનુસાર સિટી સિવિક સેન્ટર્સ મારફતે શહેરીજનોના વ્યવસાય વેરાના 2293, શૉપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેંટને લગતા 226, લગ્ન નોંધણીને લગતા 2138, મિલકત વેરાને લગતા 42955 કામો એક જ છત હેઠળ થયા છે.
નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં લઘુત્તમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે અને આ ધ્યેયને સાકાર કરવા માટે આગામી વર્ષ 2023-24માં વધુ 66 નગરપાલિકાઓમાં રૂપિયા 33 કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર્સ બનાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
