નકલી પોલીસે આંગડિયા પેઢીના રૂપિયા 12.50લાખ સેરવી લીધા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નકલી પોલીસે આંગડીયા પેઢીના ટારગેટ કરીને રૂપિયા 12.50 લાખની રોડ સેરવી લીધી
ચૂંટણી પહેલા પોલીસે રોકડ અને દારૂની હેરફેર પર કાબુ મેળવવા માટે રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ શરૂ કર્યું છે અને રોકડ તેમજ દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે. પણ, નકલી પોલીસે પણ ચૂંટણીમાં વાહન ચેકિંગ કરવાના બહાને લોકોના નાણાંની ઉઠાંતરી કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદના સી જી રોડ પર ગઇકાલે નકલી પોલીસે બે આંગડીયા પેઢીના કર્મચારીઓને રોકીને સામાન ચેંકિગ કરવાના બહાને રૂપિયા 12.50 લાખની રોકડ અને એક પાર્સલની ઉઠાંતરી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદના રાણીપમાં રહેતા નિકુંજ પારેખ સી જી રોડ સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા પીયુરાજ કોમ્પ્લેક્ષમાં એચ પ્રવિણકુમાર નામની આંગડીયા પેઢી ધરાવે છે. ગઇકાલે સાંજના સમયે તેમના સ્ટાફના મનીષ પુજારા અને ગુમાનસિંહ રાજપૂત સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં પાર્સલ લેવા માટે ગયા હતા અને પરત આવી રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા લોકોએ તેમને રોકીને પોલીસ તરીકે ઓળખ આપીને તેમનો સામાન ચેક કરવા માંગ્યો હતો. બાદમાં પરત આપી દીધો હતો. પણ ઓફિસ પર આવ્યા ત્યારે ખબર પડી હતી એક પાર્સલ ગુમ હતું જે ઇસ્કોન આર્કેડમાંથી લીધું હતું. જેથી મનીષે તાત્કાલિક નિકુંજભાઇને ઓફીસે બોલાવ્યા હતા અને નકલી પોલીસે આ પાર્સલની ચોરી કર્યાની શંકાને આધારે નિકુંજભાઇ તેમજ તેમનો સ્ટાફ સી જી રોડ પર તપાસ કરવા ગયા હતા ત્યારે ઇસ્કોન આર્કેડ પહોચ્યા ત્યારે ખબર પડી હતી કે નકલી પોલીસે ત્યાં આવેલી એન કે આંગડીયા પેઢીના સ્ટાફને રોકીને બેગ તપાસવાના બહાને રૂપિયા 12.50લાખની રોકડની ઉઠાંતરી કરી હતી. આમ. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.












Click it and Unblock the Notifications
