Gujarat News: વર્ષ 2026ના અંત સુધીમાં રાજ્યને મળશે 5 નવી મેડિકલ કોલેજ, CMએ કરી આરોગ્ય યોજનાઓની સમીક્ષા
Gujarat News: ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે જ અત્યાધુનિક સારવાર મળી રહે તે માટે CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલી કેન્દ્ર પુરસ્કૃત 10 મુખ્ય આરોગ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં CMએ જાહેરાત કરી હતી કે, ડિસેમ્બર 2026 સુધીમાં રાજ્યમાં 5 નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિર્માણ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે.

આ 5 જિલ્લાઓને મળશે નવી મેડિકલ કોલેજની ભેટ
રાજ્યના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોના લોકોને સારવાર માટે દૂર ન જવું પડે તે માટે નીચેના શહેરોમાં મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
- રાજપીપળા
- નવસારી
- મોરબી
- ગોધરા
- પોરબંદર
આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનશે.
PMJAYમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવા સૂચન
CMએ આયુષ્યમાન ભારત (PM-JAY) યોજનાના અમલીકરણમાં પારદર્શિતા લાવવા માટે Artificial Intelligence (AI) આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 2.69 કરોડ સભ્યોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળી રહ્યો છે.
ગામડાઓ સુધી પહોંચશે 'હોલિસ્ટિક હેલ્થકેર'
PM નરેન્દ્ર મોદીના 'હેલ્થ કેર ફોર ઓલ'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતમાં અત્યારે 7733 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. આ કેન્દ્રો દ્વારા ગ્રામીણ સ્તર સુધી આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. બેઠકમાં જણાવ્યા મુજબ:
- ગ્રામ્ય વિસ્તારોમાં 302 સબ સેન્ટર્સ અને 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નવા મકાનો તૈયાર થઈ ગયા છે.
- રાજ્યના 33 જિલ્લાઓમાં આધુનિક લેબોરેટરી અને 32 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર બ્લોક્સ બનાવવાની કામગીરી પણ ગતિમાં છે.
માતૃ વંદના યોજનામાં ગુજરાત અગ્રેસર
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ રાજ્યની 3.44 લાખથી વધુ માતાઓને પોષણ સહાય પૂરી પાડવામાં આવી છે. CMએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે તમામ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવો જોઈએ અને તે માટે હયાત વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવી જોઈએ.
આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યમાં આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓના લક્ષ્યાંકને સમયસર પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.












Click it and Unblock the Notifications
