સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ ઉત્સવની ધમાકેદાર ઉજવણી કરાઈ
સોમનાથ ખાતે મહાશિવરાત્રીની ધમાકેદાર ઉજવણી કરાઈ રહી છે. આ અંતર્ગત સોમનાથ મહોત્સવનું આયોજન કરાયુ છે.
ગીર સોમનાથ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાત્રે ૮.૦૦ કલાકથી પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિર પરિસર પાસે શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩નું ભવ્ય આયોજન કરાયં છે. આ ઉત્સવમાં ૨૨૫થી વધુ કલાકારોએ રંગ જમાવ્યો. સોમનાથ મંદિર ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ પહેલા દિવસે કલાકારોએ પોતાની વિવિધ ભાતીગળ નૃત્યકલાથી ઉપસ્થિત લોકો અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે કલાકારોના ઉત્સાહને બીરદાવ્યો હતો જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ કાર્યક્રમ નિહાળવા આવેલા શ્રદ્ધાળુઓ અને શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જ્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટી પી.કે.લહેરીએ કલાકારોને આશિર્વચન આપતા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, સોમનાથની પાવન ધરા પર કલાકારો દ્વારા રજૂ થતી કૃતિથી આપણી સંસ્કૃતિ અને પરંપરાગત વારસાનો વૈભવ અહીં પુનઃ જાગૃત થઈ રહ્યો છે. જે અત્યંત આનંદની વાત છે.
પહેલા દિવસે સૌપ્રથમ અખિલેશ ચતુર્વેદી ગ્રુપ મુંબઈ દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જે પછી રાઠવા લોક નૃત્ય મંડળ છોટાઉદેપુર દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ જાહેર જનતાએ ક્રમશઃ આ ઉત્સવમાં મુંબઈ, પોરબંદર, ડાંગ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, તાલાલા, લીમડી, ચોરવાડ, કોડિનારથી પધારેલા ૨૨૫થી વધુ કલાકારોના મંજીરા રાસ, ધમાલ નૃત્ય, હુડો રાસ, આદિવાસી નૃત્ય, તલવાર રાસ, શિવ મહિમા, ડાંગી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, લાવણી નૃત્ય સહિત ગરબા, લોકનૃત્ય, ભક્તિ સંગીત જેવા આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતાં.












Click it and Unblock the Notifications
