શ્રી વાજપાઈ બેંકેબલ યોજના: ગુજરાતના ૧.૪૨ લાખ યુવાનો બન્યા આત્મનિર્ભર, પાંચ વર્ષમાં ₹૧,૨૪૩ કરોડની સહાય
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ ૨૦૪૭' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારની 'શ્રી વાજપાઈ બેંકેબલ યોજના' આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના દ્વારા ૧.૪૨ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧,૨૪૩ કરોડથી વધુની સબસિડી સહાય પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં જ ૪૭,૪૬૨ લાભાર્થીઓને રૂ. ૪૬૬ કરોડની સહાય આપીને રાજ્ય સરકારે સ્વરોજગારીના ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

લોન મર્યાદામાં ધરખમ વધારો અને આર્થિક પ્રોત્સાહન
રાજ્યના ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં આ યોજનાના માળખામાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી ઘટાડવા માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. ૮ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જનરલ કેટેગરીના યુવાનોને રૂ. ૩.૭૫ લાખ સુધીની અને SC-ST કે દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૫ લાખ સુધીની માતબર સબસિડી આપવામાં આવે છે, જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા સાહસિકો માટે મોટું આર્થિક પીઠબળ બની રહ્યું છે.
વ્યાપક પાત્રતા અને સરળ અરજી પ્રક્રિયા
આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી, જેથી સમાજના તમામ વર્ગો તેનો લાભ લઈ શકે. ૧૮ થી ૬૫ વર્ષની વયના અને લઘુત્તમ ધોરણ-૪ પાસ નાગરિકો આ યોજના માટે પાત્ર ઠરે છે. આ ઉપરાંત, જે તે વ્યવસાયને અનુરૂપ તાલીમ કે અનુભવ ધરાવતા યુવાનો ઓનલાઈન પોર્ટલ મારફતે અત્યંત પારદર્શી રીતે અરજી કરી શકે છે. ઉદ્યોગ, સેવા અને વેપાર એમ ત્રણેય ક્ષેત્રો માટે મળવાપાત્ર આ સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
સફળતાનું ઉદાહરણ: આર્થિક સંકડામણ દૂર કરી વ્યવસાયને આપી નવી પાંખો
આ યોજના કેવી રીતે સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન લાવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના બાવળાના રોહિતભાઈ પ્રજાપતિ છે. ઈંટ બનાવવાના વ્યવસાયમાં આગળ વધવા માંગતા રોહિતભાઈ માટે મૂડીનો અભાવ સૌથી મોટો અવરોધ હતો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત સેમિનાર બાદ તેમણે 'શ્રી વાજપાઈ બેંકેબલ યોજના' હેઠળ લોન અને સબસિડી મેળવી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. આજે તેઓ સફળતાપૂર્વક પોતાનો ધંધો ચલાવી રહ્યા છે અને રાજ્ય સરકારની આ કલ્યાણકારી યોજનાનો આભાર માની રહ્યા છે.












Click it and Unblock the Notifications
