વીએસ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા મારી માતાનુ મૃત્યુ થયુ, કોર્પોરેટરે ઠાલવ્યુ દુઃખ
કોંગ્રેસના કોર્પોરેટર સમીરા શેખના માતા યોગ્ય સારવારના અભાવે મૃત્યુ પામ્યા હોવાથી રડી પડ્યા.
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના શરુ થયેલા બે દિવસના બજેટ સત્રના પહેલા દિવસે વીએસ હોસ્પિટલના બજેટ ઉપરની ચર્ચા સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા દરિયાપુરના કોંગ્રેસના કોર્પોરેટર સમીરા શેખના માતા મૃત્યુ પામ્યા હોવાથી રડતા રડતા પોતાની દુઃખ વ્યક્ત કરતા ગૃહમાં થોડી વાર માટે સોપો પડી ગયો હતો. બેઠકના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઉપરાંત એમજે લાયબ્રેરી, વીએસ હોસ્પિટલ અને એએમટીએસના બજેટ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા.

વીએસ હોસ્પિટલના બજેટની ચર્ચા સમયે અકબર ભાટી દ્વારા ભાજપના કારણે જૂની વીએસ હોસ્પિટલ બંધ કરવાનુ કાવતરુ કરવામાં આવ્ય હોવાનો બેઠકમાં આક્ષેપ કરાતા ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ સહિતના સત્તાધારી પક્ષના કોર્પોરેટર સભ્યે કરેલા શબ્દો પાછા ખેંચવા ઉગ્ર માંગ કરાતા મેયર કિરીટ પરમારે મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે પણ જૂની વીએસ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
દરિયાપુરના મહિલા કોર્પોરેટર સમીરા શેખ પોતાની બેઠક પરથી ઉભા થઈને રજૂઆત કરતા કહ્યુ કે મારી માતાને જૂની વીએસ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા પાંચ દિવસ પહેલા તેમનુ મૃત્યુ થયુ છે. મહિલા કોર્પોરેટરની રજૂઆત બાદ કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ મહિલા કોર્પોરેટર પાસે જઈને સાંત્વના આપવાની સાથે ભાજપના કોર્પોરેટરોને વળતો પ્રહાર કરી જવાબ આપવા માટે પડકાર્યા હતા. જો કે, મેયરે આ બાબતે પ્રતિક્રિયા આપીને જણાવ્યુ કે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
