Mother Dairy Milk price Hike: અમૂલ બાદ મધર ડેરીએ પણ વધાર્યા દૂધના ભાવ, જાણો દૂધના ભાવ
Mother Dairy Milk price Hike: અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ ચૂંટણીના પરિણામો પહેલા સોમવારે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેનું કારણ છેલ્લા 15 મહિનામાં ખર્ચમાં થયેલો વધારો જણાવવામાં આવી રહ્યો છે.
તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો સોમવાર (3 જૂન) થી દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR) તેમજ અન્ય બજારોમાં લાગુ થઈ ગયો છે. દૂધ ઉદ્યોગની દિગ્ગજ બ્રાન્ડ અમૂલ દ્વારા રવિવારે ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી.
આ બંને મુખ્ય દૂધ સપ્લાયરોએ લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 3 જૂન, 2024થી તેના પ્રવાહી દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી રહી છે.

મધર ડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉપભોક્તા કિંમતોમાં વધારો મુખ્યત્વે ઉત્પાદકોને વધેલા ઉત્પાદન ખર્ચ માટે વળતર આપવા માટે હતો, જે એક વર્ષથી વધુ સમયથી વધી રહ્યો છે.
દિલ્હી-NCRમાં દૂધના નવા ભાવ - દિલ્હી-એનસીઆરમાં, મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ હવે 68 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ થશે, જ્યારે ટોન્ડ અને ડબલ ટોન્ડ દૂધ અનુક્રમે 56 રૂપિયા અને 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ થશે.
ભેંસ અને ગાયના દૂધના ભાવ અનુક્રમે 72 રૂપિયા અને 58 રૂપિયા પ્રતિ લીટર રહેશે. ટોકન મિલ્ક (જથ્થાબંધ દૂધ) 54 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચવામાં આવશે. મધર ડેરી હાલમાં દિલ્હી-એનસીઆરમાં દરરોજ 35 લાખ લીટર તાજું દૂધ વેચે છે. કંપનીએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દૂધના છૂટક ભાવમાં ફેરફાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
