Agriculture News : પાવરગ્રીડ કંપનીની દાદાગીરી સામે હળવદ તાલુકાના ખેડૂતોનો હલ્લાબોલ
Agriculture News : છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં કંપની રાજ સતત વધી રહ્યું છે. કંપનીઓ સરકારી કાયદાઓને પણ દાદ નથી આપી રહી.
આવા જ દ્રશ્યો છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતના 14 જિલ્લામાં જોવા મળી રહ્યાં છે. આ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની લાકડિયા-અમદાવાદ વીજ લાઈન ખેડૂતોની મોંઘી જમીન છીનવી રહી છે.

મોરબી જિલ્લાના ગામડાઓમાં કંપનીના માણસો વળતર ચુકવ્યા વગર વીજપોલ ઉભા કરતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે માળીયા તાલુકાના ખાખરેચી ગામે મોટી સંખ્યામા ખેડૂતો એકઠા થયા હતા અને કંપનીની દાદાગીરી સામે હલ્લાબોલ કર્યો.
સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળી રહી ત્યારે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા અને પુર્વ ધારાસભ્ય લલીત કગથરા ખેડૂતોની વહારે આવ્યા હતા.
ખાખરેચી ગામે તેમણે ખેડૂતોને એક થઈને લડવા હાંકલ કરી. પાલ આંબલિયાએ જણાવ્યુ કે, કંપનીઓ વળતર આપ્યા વગર ખેડૂતોના ખેતરોને બરબાદ કરી રહી છે અને મોંઘી જમીનો પડાવી રહી છે. તેમણે ખેડૂતોને 3 હજાર રૂપિયા પ્રતિ મીટરના ભાવે વળતર ચુકવવા માંગ કરી.
અહીંના એક ખેડૂત મિલનભાઈએ રડતા આંસુએ જણાવ્યુ કે સરકાર તેમની વાત સાંભળવાની જગ્યાએ તેમને જ ખેતરોમાં પ્રવેશતા અટકાવી રહી છે. પોલીસ અને કંપનીના માણસો એક સાથે મળીને ખેડૂતોને ધમકાવી રહ્યાં છે.
તેમણે જણાવ્યુ કે, તેમના ખેતરમાં કામ ચાલી રહ્યું છે પરંતુ તેમને એકપણ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યુ નથી. કંપની 100 ચોરસ મીટર જગ્યામાં મંજુરી વગર જ ખોદકામ કરીને જમીન બરબાદ કરી રહી છે.
જણાવી દઈએ કે, આ ફરિયાદ માત્ર મિલનભાઈની એકલાની નથી. રાજ્યના 14 જિલ્લાઓમાંથી પસાર થતી લાકડીયા-અમદાવાદ વીજ લાઈન જ્યાંથી પણ પસાર થાય છે તે તમામ જગ્યાઓએ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા હોવાના અહેવાલો છે. હવે જોવાનું એ રહે છે કે આ ખેડૂતોનો અવાજ સરકાર સુધી ક્યારે પહોંંચે છે?












Click it and Unblock the Notifications
