વૈભવી સૂર્યવંશીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ક્રિસ ગેલનો ઓલ-ટાઇમ રેકોર્ડ કર્યો ધ્વસ્ત
આઇપીએલના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીએ પોતાની નિર્ભય અને તોફાની બેટિંગથી તહેલકો મચાવી દીધો હતો. તેણે દિગ્ગજ બોલરોને દંગ કરી દીધા અને ક્રિકેટ ચાહકોને મેદાનની ચારેય બાજુએ ચોગ્ગા અને ગગનચુંબી છગ્ગા ફટકારીને રોમાંચિત કરી દીધા. આ પ્રદર્શને ક્રિસ ગેલનો એક મોટો રેકોર્ડ તોડી પાડ્યો હતો.
વૈભવ સૂર્યવંશી આજે સંપૂર્ણપણે અલગ મૂડમાં જોવા મળ્યો હતો. તેણે વિરોધી ટીમના બોલિંગ આક્રમણને ખરાબ રીતે ધોઈ નાખ્યું અને માત્ર ૧૬ જ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ વિસ્ફોટક ઇનિંગ્સમાં તેણે ૮ શાનદાર છગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઇક રેટ ૩૩૭.૫૦નો રહ્યો, જેણે મેચનો માહોલ સંપૂર્ણપણે તેની ટીમ તરફ ફેરવી દીધો હતો.

આ ધમાકેદાર ઇનિંગ્સ સાથે, વૈભવે 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલના એક સિઝનમાં સૌથી વધુ ૫૯ છગ્ગાના ઐતિહાસિક રેકોર્ડને પણ તોડી નાખ્યો. ગેલનો આ રેકોર્ડ ઘણાં વર્ષોથી અતૂટ માનવામાં આવતો હતો, પરંતુ વૈભવે તેને પાછળ છોડી દીધો. વૈભવ સૂર્યવંશીની આ ઐતિહાસિક ઇનિંગ્સ અને તેની અનોખી સિદ્ધિ IPLના ઇતિહાસમાં હંમેશા સુવર્ણ અક્ષરોમાં યાદ રહેશે. આ મેચ પહેલા સૂર્યવંશીના નામે ૫૩ છગ્ગા હતા.
નોંધનીય છે કે, સૂર્યવંશીએ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને ખરાબ રીતે ઝૂડ્યા હતા. તેના એક જ ઓવરમાં ૩ છગ્ગા અને ૧ ચોગ્ગો ફટકારીને ૨૩ રન ભગાડ્યા હતા. આ પછી, શાકિબ હુસૈનની બોલિંગમાં પણ તેનો આવો જ આક્રમક અભિગમ જોવા મળ્યો, જ્યાં સૂર્યવંશીએ તેને પણ ૩ છગ્ગા ફટકાર્યા હતા.
જોકે, આ ધમાકેદાર બેટિંગ કરતો વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડવાથી સહેજ માટે ચૂકી ગયો. તે ૨૯ બોલમાં ૯૭ રનની શાનદાર ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. સૂર્યવંશીના બેટમાંથી કુલ ૧૨ છગ્ગા અને ૫ શાનદાર ચોગ્ગા આવ્યા હતા.
આ સિદ્ધિઓ સાથે સૂર્યવંશીએ ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. હવે તેના નામે ૧૫ મેચમાં ૬૮૦ રન નોંધાયા છે, તેણે સાઈ સુદર્શનને પાછળ છોડી દીધો છે.












Click it and Unblock the Notifications
