UPમાં મોટી દુર્ઘટના, હમીરપુરમાં સૂઈ રહેલા મજૂરો પર તૂટી પડ્યો નિર્માણાધીન પુલ, 6 લોકોના કરુણ મોત!
ઉત્તર પ્રદેશના હમીરપુરમાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યે બેતવા નદી પર બની રહેલા એક મોટા પુલનો ભાગ અચાનક તૂટી પડ્યો. આ ભયાવહ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાવાથી અત્યાર સુધીમાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળેલી માહિતી મુજબ, દુર્ઘટના સમયે બધા જ મજૂરો કામ પતાવીને પુલના આ ભાગ નીચે ઊંઘી રહ્યા હતા, તેમને સંભળવાનો સમય પણ ન મળ્યો. અચાનક આવેલા તેજ વાવાઝોડા અને આંધી વચ્ચે નિર્માણાધીન પુલનું આ વિશાળ માળખું સીધું સૂતેલા મજૂરો પર પડ્યું.

ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ અને સ્થાનિક પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ નિર્માણાધીન પુલ કુરાણા વિસ્તારમાં મોરકંદર પરસાની અને નૈથી ગામ વચ્ચે રાજ્યસભા સાંસદ બાબુરામ નિષાદના વિશેષ પ્રયાસોથી બનાવવામાં આવી રહ્યો હતો.
મૃત્યુ પામેલા મજૂરો પડોશી જિલ્લા બાંદા અને હમીરપુરના રહેવાસી હોવાનું જણવાયું છે. અધિકારીઓ અનુસાર, હજી પણ ઓછામાં ઓછા ત્રણ મજૂરો પિલરના કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પ્રાથમિક દ્રષ્ટિએ, આ દુર્ઘટના પાછળનું કારણ પ્રચંડ વાવાઝોડું હોવાનું કહેવાય છે. જોકે, પુલ નિર્માણમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
