IND vs SA: શું ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં પણ વરસાદ બનશે વિલન? જાણો અમદાવાદના હવામાનની સ્થિતિ
IND vs SA Weather: T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડની સૌથી મોટી મેચ આજે રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલાને લઇ ચાહકોમાં પ્રચંડ ઉત્સાહ છવાયો છે. મેચ પહેલાં હવામાનની ચિંતા હતી, જે હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ. અગાઉ કોલંબોમાં પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ મેચ વરસાદને કારણે રદ થતાં બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા, જેને પગલે આ મેચનું હવામાન પણ ચર્ચાનો વિષય બન્યું હતું.

મેચ દરમિયાન ખેલાડીઓને અમદાવાદની હળવી ગરમીનો અનુભવ થઈ શકે છે. બપોરે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જોકે, સાંજે મેચ શરૂ થાય ત્યારે તાપમાન 26 થી 28 ડિગ્રીની આસપાસ રહેશે. હવા 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભેજ 29 ટકા જેટલો નીચો રહેશે. ખાસ વાત એ છે કે, આ મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી, જેથી પૂરી મેચનો આનંદ માણી શકાશે.
વરસાદનું જોખમ ટળતા મેચમાં ઓસની ભૂમિકા નિર્ણાયક બની છે. ફેબ્રુઆરીના અંતમાં અમદાવાદમાં રાત્રે હળવી ઓસ પડવાની સંભાવના રહે છે. આથી, ટોસ જીતનારી ટીમ પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કરી શકે છે, કેમ કે બીજી ઇનિંગ્સમાં ભીની બોલથી બોલિંગ બોલરો માટે પડકારજનક બનશે.
ભારતીય ટીમમાં ઓપનર કોણ હશે તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી હતી. અભિષેક શર્મા ભલે સતત ત્રણ મેચમાં નિષ્ફળ રહ્યા હોય, પરંતુ સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું છે કે આ મેચમાં અભિષેક શર્મા જ રમશે. આનો અર્થ સ્પષ્ટ છે કે સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહીં મળે, અને અભિષેકને આ મહત્વપૂર્ણ મુકાબલામાં ટીમનો ટેકો મળશે.












Click it and Unblock the Notifications
