ગુજરાતમાં ઓછામાં ઓછી 12 લોકસભા સીટો જીતવા રાહુલ ગાંધીનું આહ્વાન
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધનના મંચ પર એક સાથે આવી છે તો બીજી તરફ હવે રાહુલ ગાંધીએ ગુજરાતમાં જ બીજેપીને માત કરવા આહ્વાન કર્યુ છે.
અહેવાલો અનુસાર, રાહુલ ગાંધીએ ગુજરાતમાં કમર કસવા અને 2024 લોકસભા ચૂંટણીમાં 26માંથી ઓછામાં ઓછી 12 લોકસભા બેઠકો જીતવા જોર લગાવવાની વાત કરી છે. કોંગ્રેસ નેતા બીએમ સંદિપે કહ્યું કે, રાજ્યની ટીમને મોટા પ્રમાણમાં મતદારોને આકર્ષવા છ મહિના જોર લગાવવા કહ્યું છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં અમારી પાસે સારી તક છે. રાહુલ ગાંધી ઈચ્છે છે કે અમે રાજ્યમાં ફરી એકત્ર થઈએ. નવા નિયુક્ત AICC પ્રભારી મુકુલ વાસનિકે રાહુલ ગાંધીનો આઓ મેસેજ ગુજરાતના નેતાઓને પહોંચાડ્યો છે. વાસનિકે 27 ઓગસ્ટના રોજ અમદાવાદમાં રાજ્યના વરિષ્ઠ નેતાઓ સાથે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મુકુલ વાસનિક પ્રભારી બન્યા બાદ આ વિસ્તૃત રાજ્ય એકમ કાર્યકારી સમિતિની બેઠક હતી. મુકુલ વાસનિક અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓથી પરિચિત છે. આ બેઠકમાં તમામ મોટા નેતાઓ હાજર હતા અને 2024ની રાષ્ટ્રીય ચૂંટણી પહેલા પાર્ટીને મજબૂત કરવાના રસ્તાઓ પર ચર્ચા કરાઈ હતી.
ગુજરાત કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યુ કે, અમે આગામી છ મહિનામાં એક વિશાળ જન સંપર્ક કાર્યક્રમ હાથ ધરીશું, જે અંતર્ગત તમામ નેતાઓ અને કાર્યકરો રાજ્યભરમાં પ્રવાસ કરશે અને મતદારોને રાજ્ય સરકારની નિષ્ફળતાઓ વિશે માહિતગાર કરશે.
આ બેઠકમાં જન સંપર્ક અભિયાન અને રાજ્ય એકમના પુનર્ગઠન સંબંધિત સાત ઠરાવ પસાર કરાયા હતા. નવનિયુક્ત રાજ્ય એકમના વડા શક્તિ સિંહ ગોહિલ અને CLP નેતા અમિત ચાવડા પણ તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે કોન્ક્લેવમાં હાજર હતા.












Click it and Unblock the Notifications
