શિવલિંગ પર જળ ચડાવવુ એ મારી અંગત બાબત છે, તેના પર કોઈ ચર્ચા ન થવી જોઈએઃ મહેબૂબા મુફ્તી
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ 15 માર્ચે પુંછના નવગ્રહ મંદિરમાં શિવલિંગ પર જલાભિષેક કર્યા બાદ થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
Mehbooba Mufti on offering water to Shivling: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ 15 માર્ચે પુંછના નવગ્રહ મંદિરમાં પૂજા-અર્ચના કરી, ત્યારબાદ આખા મંદિરની પ્રદક્ષિણા કરી અને શિવલિંગ પર જલાભિષેક પણ કર્યો. આને લઈને હોબાળો મચી ગયો. હવે આ મુદ્દે મહેબૂબા મુફ્તીએ મૌન તોડ્યુ છે. તેમણે કહ્યુ કે આ તેમની અંગત બાબત છે અને આના પર ચર્ચા ન થવી જોઈએ.

'કોઈ બેવડા ધોરણો નથી'
મહેબૂબા મુફ્તીએ કહ્યુ, 'કોઈ બેવડા ધોરણો નથી. આપણે ગંગા-જમુના તહઝીબ માટે જાણીતા બિનસાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ. યશપાલજી (PDPના ભૂતપૂર્વ MLC, જેમનુ ગયા વર્ષે જાન્યુઆરીમાં અવસાન થયુ હતુ) એમણે મંદિર બનાવ્યુ હતુ અને તેમના પુત્રો ઈચ્છતા હતા કે હું આ મંદિર જોઉ. પૂંછના લોકોએ મંદિર માટે ઉદારતાથી દાન આપ્યુ, જે ખૂબ જ સુંદર છે. કોઈએ મને લોટામાં પાણી આપ્યુ અને મને શિવલિંગ પર ચડાવવા કહ્યુ, જે મે કર્યુ.'

'હું મારા ધર્મને સારી રીતે જાણુ છુ'
દેવબંદના એક મૌલવીએ મહેબૂબા મુફ્તીની આકરી ટીકા કરી છે. તેમણે મહેબૂબા મુફ્તી દ્વારા શિવલિંગ પર જળ ચઢાવવાને ગેર-ઇસ્લામિક ગણાવ્યુ છે. આ અંગે મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, હું તેમાં પડવા નથી માંગતી. હું મારા ધર્મને સારી રીતે જાણુ છુ. આ દેશ તેની ગંગા-જમુના સંસ્કૃતિ માટે જાણીતો છે, જ્યાં હિંદુ અને મુસ્લિમો સુમેળથી રહે છે. અહીં મુસ્લિમો કરતાં વધુ હિંદુઓ ઝિયારત પર ચાદર ચઢાવે છે. આ મારી અંગત બાબત છે.'

ભાજપની પ્રતિક્રિયા
ભાજપે મહેબૂબાની મંદિરની મુલાકાતને ડ્રામા ગણાવી છે. પાર્ટીએ કહ્યુ કે મહેબૂબાએ એક સમયે અમરનાથ ધામ માટે જમીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જમ્મુ અને કાશ્મીર ભાજપ પ્રવક્તા રણબીર સિંહ પઠાનિયાએ કહ્યું, '2008માં મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીએ અમરનાથ ધામ માટે જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. આ જમીન પર શ્રદ્ધાળુઓ માટે રહેઠાણો બનાવવાના હતા. હવે તેમનુ મંદિર જવુ એ માત્ર ડ્રામા છે. આનાથી તેમને કંઈ ફાયદો થશે નહીં. જો રાજનૈતિક નાટક દ્વારા કંઈ પ્રાપ્ત થયુ હોત તો જમ્મુ-કાશ્મીર આજે સમૃદ્ધિનો બગીચો બની ગયો હોત.'












Click it and Unblock the Notifications
