દિલ્હીના જજ અમન શર્મા આત્મહત્યા કેસ: પિતાએ કર્યો ખુલસો, 'હવે જીવવું મુશ્કેલ છે
દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં 30 વર્ષીય જજ અમન કુમાર શર્માએ આત્મહત્યા કરી લેતા ન્યાયિક જગત અને સામાન્ય જનતામાં આઘાત વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં ઘરેલું ઝઘડો અને ભારે માનસિક તણાવ કારણભૂત જણાઈ રહ્યા છે, પરંતુ મૃતકના પરિવારે ગંભીર હેરાનગતિના આક્ષેપો કર્યા છે. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
અમન શર્માએ 2021માં દિલ્હી ન્યાયિક સેવામાં પ્રવેશ કર્યો હતો અને હાલ કડકડડૂમા કોર્ટમાં સેવા આપી રહ્યા હતા. આ દુઃખદ પગલાથી માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક વિવાદોના પ્રભાવ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અમનનો મૃતદેહ તેમના ઘરના બાથરૂમમાં ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતાં પરિવારજનોને શંકા ગઈ હતી.

સ્થાનિકો અને પરિવારે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ સફળતા ન મળતાં બારી દ્વારા અંદર પ્રવેશ કરાયો. અમનને નીચે ઉતારી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઘટના પહેલાં અમનને રાજસ્થાનના અલવરમાં રહેતા પિતાને ફોન કર્યો હતો.
વાતચીત દરમિયાન અમન અત્યંત ભાવુક અને પરેશાન હતા. તેમણે પિતાને કહ્યું કે તેઓ ખૂબ જ મુશ્કેલીમાં છે અને "હવે જીવવું શક્ય લાગી રહ્યું નથી." પુત્રની આઘાતજનક વાતો સાંભળીને ગભરાયેલા પિતા તાત્કાલિક અલવરથી દિલ્હી જવા રવાના થયા.
અમન શર્માની બહેનના સસરાએ માહિતી આપતા જણાવ્યું કે, "મને ફોન પર મારા દીકરાએ જાણ કરી કે અમનને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા." પોલીસે નોંધેલા અમનના પિતાના નિવેદન મુજબ, રાત્રે 10 વાગ્યે અમનને ફોન કરીને કહ્યું હતું કે 'તેઓ ખૂબ જ પરેશાન છે અને હવે તેમના માટે જીવવું મુશ્કેલ થઈ ગયું છે'.
આ સાંભળીને અમનના પિતા તરત જ અલવરથી દિલ્હી જવા નીકળ્યા અને મોડી રાત્રે 12 વાગ્યે પહોંચ્યા. તેમને ખબર પડી કે, અમનનો તેની પત્ની સ્વાતિ (જે પોતે ન્યાયિક અધિકારી છે) સાથે વિવાદ હતો અને છેલ્લા બે મહિનાથી તેઓ પરેશાન હતા. સ્વાતિની બહેન નિધિ મલિક, જે જમ્મુમાં IAS અધિકારી છે, તે અમનના જીવન તથા ઘરના મામલાઓમાં દખલગીરી કરી નિયંત્રણ રાખતી હતી.
અમનના પિતાના જણાવ્યા અનુસાર, તેમની વહુ સ્વાતિએ તેમને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. બીજા દિવસે સવારે તેમણે વહુના માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો ફોન બ્લોક મળ્યો. ત્યારપછી ઘરમાં ઝઘડો થયો. સ્વાતિ ગુસ્સાથી બૂમો પાડી રહી હતી અને અમન રડી રહ્યા હતા. થોડીવાર પછી અવાજો બંધ થઈ ગયા અને તેમણે વિચાર્યું કે મામલો શાંત પડી ગયો છે.
થોડા સમય પછી જ્યારે તેમણે જઈને જોયું, તો સ્વાતિએ કહ્યું કે તેમને અમન વિશે કંઈ ખબર નથી. જ્યારે તેમણે અમનના મોબાઈલ પર ફોન કર્યો ત્યારે બાથરૂમની અંદરથી ઘંટડી સંભળાઈ. તેમણે દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. આ દરમિયાન અમનનો સાળો યુધવીર અને સાળી નિધિ મલિક પણ ત્યાં પહોંચી ગયા. બધાએ મળીને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ રહ્યા.
પાડોશીઓએ જણાવ્યું કે શાફ્ટમાં એક બારી છે. ત્યારબાદ સીડી લગાવીને ગાર્ડ શંકર બારી તોડીને અંદર ગયો, જ્યાં 30 વર્ષીય અમન ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યા. અમન કુમાર શર્માના મૃતદેહને તરત જ નીચે ઉતારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી પરિવાર આઘાતમાં છે.
અમન કુમાર શર્મા એક પ્રતિભાશાળી અધિકારી હતા. તેમણે 2018માં પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ લો સ્કૂલમાંથી BA LLBની ડિગ્રી મેળવી હતી. 19 જૂન 2021ના રોજ તેઓ દિલ્હી ન્યાયિક સેવાનો ભાગ બન્યા હતા. પોતાના ટૂંકા કાર્યકાળમાં તેમણે ફોજદારી અને દીવાની બંને કેસોમાં પોતાની કાબેલિયત સાબિત કરી હતી.
તાજેતરમાં, 18 ઓક્ટોબર 2025ના રોજ તેમને કડકડડૂમા કોર્ટમાં ઉત્તર-પૂર્વ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)માં પૂર્ણકાલિક સચિવની નવી જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હી પોલીસ આ કેસની દરેક પાસાથી તપાસ કરી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે ઘટના સ્થળેથી હાલ કોઈ મોટી ષડયંત્ર કે બાહ્ય વ્યક્તિની સંડોવણીના પુખ્તા પુરાવા મળ્યા નથી. પરંતુ, પરિવારના આરોપોને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત પક્ષોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.
પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેથી મૃત્યુના ચોક્કસ સમય અને કારણોની પુષ્ટિ થઈ શકે. ઉપરાંત, અમનના મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા પણ કબ્જે કરવામાં આવ્યા છે. જો તમે કે તમારા કોઈ પ્રિયજન માનસિક તણાવ કે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હોય, તો મદદ ફક્ત એક કોલ દૂર છે. તમારી ઓળખ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે.
આઈ-કોલ (iCALL) મેન્ટલ હેલ્પલાઈન: 9152987821 (સોમ-શનિ: સવારે 10 થી રાત્રે 8).












Click it and Unblock the Notifications
