વિડી જૂથ પાણી પુરવઠા યોજના એપ્રિલ 2024 સુધી પૂર્ણ કરાશે : પાણી પુરવઠા મંત્રી
અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂપિયા 3986.17 લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-2024 સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે. આ અંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી હતી.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઘર આંગણે જ મળી રહે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાને પણ નર્મદાના નીર પહોંચતા કર્યા છે, ત્યારે અંજાર અને ગાંધીધામ તાલુકાની રૂપિયા 3986.17 લાખના ખર્ચે તૈયાર થનાર વિડી જૂથ પાણી પુરવઠા યોજના આગામી એપ્રિલ-2024 સુધીમાં પૂર્ણ કરીને પીવાનું પાણી પહોંચાડાશે.

શનિવારના રોજ વિધાનસભા ખાતે અંજાર-ગાંધીધામ તાલુકાના વિડી જૂથ પાણી પુરવઠા યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી કુંવરજી બાળવળીયાએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ તથા નર્મદા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાય છે.
જેમાં ઢાંકી-માળીયા અને અંજાર-ગાંધીધામની 50 કિલોમીટર પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયું છે અને ટપ્પર ડેમ દ્વારા પણ પાણી આપવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિડી જૂથ પાણી પુરવઠા આ યોજના હેઠળ ગામડાઓમાં સરફેસ વોટર પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ અંજાર તાલુકાના 7 ગામ અને ગાંધીધામ તાલુકાના 4 ગામ મળી કુલ 11 ગામની 4.36 લાખની વસ્તીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
હાલ અંજાર અને ગાંધીધામ તાલુકાના આ ગામો પાતાળકૂવા તથા વિવિધ જૂથ પાણી પુરવઠા યોજના થકી પાણી મેળવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
