કંગાલ થઇ ગઇ સલમાન ખાનની આ હીરોઈન, ગંભીર બીમારીએ હાલત ટાઈટ કરી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચમક જેટલી આકર્ષક લાગે છે, તેની વાસ્તવિકતા ઘણીવાર પીડાદાયક હોય છે. કેટલાક રાતોરાત સ્ટાર બને છે, તો કેટલાકનું જીવન અચાનક અંધકારમાં ડૂબી જાય છે. આવી જ કહાણી અભિનેત્રી પૂજા ડડવાલની છે, જેમણે કરિયરની શરૂઆત સુપરસ્ટાર સલમાન ખાન સાથે કરી હતી, પરંતુ સમયના આઘાતોએ તેમને ગુમનામી અને સંઘર્ષભર્યા જીવન જીવવા મજબૂર કર્યા.
પૂજા ડડવાલે માત્ર ૧૭ વર્ષની ઉંમરે બોલીવૂડમાં પ્રવેશ કર્યો. વર્ષ ૧૯૯૫માં આવેલી ફિલ્મ 'વીરગતિ'માં તેમને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી, જે નવી અભિનેત્રીઓ માટે સ્વપ્નવત ગણાતી. આ ફિલ્મમાં પૂજાની જોડી અતુલ અગ્નિહોત્રી સાથે હતી અને દર્શકોએ તેમનું કામ પસંદ કર્યું. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ન રહી, જે તેમના કરિયરના સંઘર્ષની શરૂઆત બની.

પ્રથમ ફિલ્મની નિષ્ફળતા પછી પૂજા ડડવાલે ઇન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવા ઘણા પ્રયાસો કર્યા. 'આશિકી' અને 'ઘરાના' જેવી ફિલ્મોમાં કામ કર્યું. કેટલાકને સારો પ્રતિસાદ મળ્યો, છતાં અપેક્ષિત સફળતા ન મળી. લગ્ન બાદ પૂજા ગોવામાં સ્થાયી થયા, પરંતુ આર્થિક સ્થિતિ કથળી. એક સમય એવો આવ્યો જ્યારે તેમની પાસે દૈનિક જરૂરિયાતો કે ભોજન માટે પણ પૈસા નહોતા.
મુશ્કેલ સમય ત્યારે વકર્યો જ્યારે પૂજા ડડવાલ ટીબી જેવી ગંભીર બીમારીનો ભોગ બન્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બીમારી દરમિયાન તેમનો પરિવાર પણ દૂર થઈ ગયો. સ્થિતિ એટલી દયનીય બની હતી કે તેમને સારવાર અને ભોજન માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો.
જ્યારે આ સમાચાર સલમાન ખાન સુધી પહોંચ્યા, ત્યારે તેમણે પૂજાને મદદનો હાથ લંબાવ્યો. સલમાન ખાને લગભગ એક વર્ષ સુધી તેમની સારવાર અને દૈનિક ખર્ચની જવાબદારી ઉઠાવી હોવાનું કહેવાય છે. આ કપરા સમયમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અને રાજકારણી રવિ કિશને પણ તેમને મદદ કરી.
ટીબીની બીમારીમાંથી ઉગરી ગયા પછી પણ પૂજા ડડવાલની મુશ્કેલીઓનો અંત નહોતો આવ્યો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેમની પાસે કાયમી આશ્રય નહોતો. શરૂઆતમાં તેમણે મુંબઈના વર્સોવા વિસ્તારની એક ચાલમાં જીવન ગુજાર્યું. જોકે, બાદમાં સલમાન ખાનની ટીમે તેમને ગોવામાં ભાડાનું ઘર અને જરૂરી ઘરવખરીની વ્યવસ્થા કરી આપી, જેથી તેઓ સામાન્ય જીવનમાં પાછા ફરી શકે.
ફિલ્મી દુનિયાથી લાંબા સમય દૂર રહ્યાં બાદ, પૂજા ડડવાલે વર્ષ ૨૦૨૦માં પંજાબી ફિલ્મ 'શુકરાના ગુરુ નાનક દેવ જી' દ્વારા મોટા પડદા પર વાપસીનો પ્રયાસ કર્યો, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી સ્થાન બનાવવું તેમના માટે પડકારજનક રહ્યું.
તેમણે એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું, જેમાંથી અમુક આર્થિક સહાય મળી. જોકે, કોરોના મહામારીએ તેમના જીવનને ફરી મુશ્કેલીમાં મૂકી દીધું. લોકડાઉન અને કામની અછતને લીધે તેમને પુનઃ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા ડડવાલ આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કામની શોધમાં છે. ક્યારેક મોટા પડદા પર ચમકતી આ અભિનેત્રી હવે ગુમનામી વચ્ચે પોતાનું જીવન સંભાળી રહી છે. તેમની કહાણી માત્ર એક અભિનેત્રીના સંઘર્ષની જ નહીં, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એ વાસ્તવિકતા પણ ઉજાગર કરે છે, જ્યાં સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય છે.












Click it and Unblock the Notifications
