SIR ની કામગીરીથી કંટાળીને શિક્ષકનો આપઘાત, જાણો સ્યુસાઈડ નોટમાં શું લખ્યુ?
ગીર સોમનાથના કોડીનારમાં એક શિક્ષકના આપઘાતથી ખળભળાટ મચી ગયો છે. દેવળી ગામના રહેવાસી યુવા શિક્ષકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીના દબાણ અને માનસિક તણાવને કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક શિક્ષકે સ્યુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં આ કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ છે.

શિક્ષકે પોતાની સ્યુસાઈડ નોટમાં પત્નીના નામે હૃદયદ્રાવક સંદેશ લખ્યો હતો. તેણે જણાવ્યું કે, મારાથી કોઈ પણ કાળે હવે આ SIR કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે, હું તમને બંનેને ખૂબજ ચાહું છું. પણ હવે હું ખુબ જ મજબુર બની ગયો છું. અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી.
આગળ વધુમાં લખ્યું કે, તેનો થેલો જેમાં કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેવા વિનંતી કરી હતી. નોટના અંતે તેમણે I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay લખીને માફી માંગી હતી.
પરિવારજનો અને શિક્ષણ સંઘે આક્ષેપ કર્યો છે કે, BLOની કામગીરીના કારણે શિક્ષક ડિપ્રેશનમાં હતા. તેમણે જણાવ્યું કે, આવા અનેક શિક્ષકો માનસિક યાતના ભોગવી રહ્યા છે. ગીર સોમનાથના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ વિનોદભાઈ બારડે પીડિત પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે.
ગીર સોમનાથના એસપીએ મીડિયાને જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. તેમણે પ્રાથમિક તારણ વ્યક્ત કર્યું કે, ચૂંટણી પંચની કામગીરીથી કંટાળીને શિક્ષકે આત્મહત્યા કરી હોઈ શકે છે. જો કે, આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ સ્થાનિક પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે પણ પુષ્ટિ આપી હતી કે, SIRની કામગીરીના દબાણના કારણે જ શિક્ષકે આત્મહત્યા કરી છે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા એક અઠવાડિયાથી સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. 15 તારીખે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. સંઘે જણાવ્યું કે, શિક્ષકો સતત દબાણ અનુભવી રહ્યા છે. અગાઉ ખેડા જિલ્લામાં પણ આવા જ એક કિસ્સામાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે, આ કામગીરીને કારણે શિક્ષક માનસિક સંતુલન ગુમાવી હતાશ થઈ ગયા હતા અને આત્મહત્યા તરફ પ્રેરાયા હતા. શિક્ષકના મોતથી તેમના કુટુંબને થયેલી ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી.












Click it and Unblock the Notifications
