સબસીડાઇઝ ખાતરના અનઅધિકૃત ઉપયોગ અટકાવવા ઔદ્યોગિક એકમોની પણ ચકાસણી હાથ ધરાઇ
રાજ્યના ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે કહ્યું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવામાં ભેળસેળ કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે અને ખેતીવાડી ખાતા દ્વારા ઉત્પાદકો તથા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે તથા લે ભાગુ તત્વો દ્વારા ખેડૂતોને અનઅધિકૃત કે હલકી ગુણવત્તાવાળી ખેત સામગ્રીનું વેચાણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવી એ ગુણવત્તા નિયંત્રણ તંત્રની પ્રાથમિક જવાબદારી છે.
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે તા.૩૦ અને ૩૧ મે-૨૦૨૩ દરમિયાન ખેતીવાડી ખાતા દ્વારા રાજ્ય કક્ષાએથી ખાસ ૩૩ સ્કોર્ડની રચના કરી ૧૦૨ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવા ઉત્પાદન કરતા એકમો અને ૨,૩૯૪ વિક્રેતાઓને ત્યાં ગુણવત્તા નિયંત્રણ સબંધિત તમામ બાબતોની ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન વિવિધ ૫૪૯ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ ૬૨૧ જેટલા ઉત્પાદકો/ વિક્રેતાઓને નોટીસ આપી અંદાજીત ૮૩૬ લાખની વેચાણ કિંમતનો ખાતરનો ૧,૧૮૫ મે.ટન, જંતુનાશક દવાનો ૧૦,૪૧૭ કિગ્રા/લિટર તથા બિયારણનો ૨,૬૮,૭૯૭ કિગ્રા જથ્થો અટકાવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન સબસીડાઇઝ ખાતરના અનઅધિકૃત ઉપયોગ અટકાવવા ઔદ્યોગિક એકમોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી. તદુપરાંત રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ ખાતરનો સ્ટોક તથા પી.ઓ.એસ મશીનમાં ઉપલબ્ધ સ્ટોકનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું અને જ્યાં વિસંગતતા જણાયેલ તેઓને નોટિસ આપવામાં આવી.
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે ખેડૂત સમાજ અને કૃષિના હિતમાં કોઈ બાંધછોડ ન કરવા અને કડક કાર્યવાહી કરવા કટીબદ્ધ છે. વધુમાં, અનઅધિકૃત પ્રકારનાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન, પ્રોસેસીંગ, પેકીંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાની બાબત જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા રાજ્યનાં ખેડૂતોને નમ્ર અપીલ પણ મંત્રી દ્વારા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
