Gujarat Weather: આજે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, ક્યાં-કેટલો વરસાદ નોંધાયો?
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં મેઘરાજાએ ઘણી જગ્યાએ ખમૈયા કર્યા છે. જો કે, બુધવારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં અવી છે. અન્ય જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી ગુજરાતના 133 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં નોંધાયો હતો. 14 તાલુકા એવા છે કે જેમાં એક ઈંચથી લઈને ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઈંચ, બેચરાજીમાં 2.40 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 5 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત મોરબી તેમજ કચ્છમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
રાજ્યમાં 25થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના લીધે ગુજરાત જળબંબાકાર થઇ ગયું હતું. જેને લીધે રાજ્યમાં જાન અને માલહાનિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પણ થયું છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં 118 ટકા વરસાદ પડ્યો છે. તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
