Gujarat Weather: ઠંડા પવનો અને વાદળછાયા વાતાવરણના લીધે તાપમાનનો પારો ગગડ્યો, માવઠાની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર તરફથી આવતા આ ઠંડા પવનોના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 9 ફેબ્રુઆરી સુધી ઉત્તર ગુજરાતનુ વાતાવરણ વાદળછાયુ રહી શકે છે. વળી, આગામી 19થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે તાપમાનનો પારો ફરીથી નીચે આવશે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ઉત્તરના ઠંડા પવનોના કારણે વાદળછાયા વાતાવરણ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઘણી જગ્યાએ માવઠાની સંભાવના છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. જે બાદ તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ બાદ એકથી બે ડિગ્રી જેટલો પારો ઘટવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 ફેબ્રુઆરીથી એટલે કે આજથી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. વહેલી સવારે અને સાંજ પડતા વધુ ઠંડીનો અનુભવ થશે.ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી આસપાસ રહી શકે છે. જો કે, દિવસના તાપમાનમાં વધારો થવાથી બપોરના સમયે ગરમીનો અનુભવ થશે.
તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે. આગામી 2 દિવસ બાદ ઠંડીનુ જોર વધવાથી કડકડતી ઠંડી પડશે.












Click it and Unblock the Notifications
