Gujarat Rain Update : ભારે વરસાદથી અસરગ્રસ્ત 12444 વ્યક્તિઓનું સ્થળાંતર, 617 વ્યક્તિઓનું રેસ્ક્યું કરાયું
Gujarat Rain Update : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ઝીરો હ્યુમન લાઇફ લોસના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે, તેમ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.
રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.

રાહત કમિશનરે જણાવ્યું હતું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 12444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓને સેલ્ટર હોમ ખાતે લઇ જઇ ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
