ચીખલીમાં યુરીયા ખાતરના ગેરકાયદેસર નિકાસ મામલે ખેતીવાડી ખાતા દ્વારા રેઝીન કંપની પર કરી રેડ
રાજ્યમાં ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ થતો અટકાવવા તથા આ સંબંધિત ગુનાખોરી પર નજર રાખી આવુ કૃત્ય આચરતા તત્વોને પકડી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે ખેતીવાડી ખાતાને સુચનાઓ આપી હતી.જે અનુસંધાને ખેતીવાડી ખાતા દ્વારા ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ તથા તેને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હોવાની મળેલી ચોક્ક્સ બાતમીનાં આધારે તાજેતરમાં નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં દરોડા પાડવામા આવ્યા હતાં.

રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ની જોગવાઇ મુજબ આ પકડાયેલ જથ્થામાંથી કુલ ૧૨ નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે ગાંધીનગર ખાતેની અધિકૃત ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે આ સમગ્ર પ્રકરણમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો અનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું સાબીત થયુ છે. જેનાં આધારે વાહનોમાં ભરેલો અનઅધિકૃત જથ્થો તથા ૬ વાહનો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે.
આ જથ્થો નીમ કોટેડ યુરીયાનો છે, જે મંડળીઓમાંથી ખેડૂતોને ખાતર તરીકે વપરાશ માટે આપવામાં આવે છે. પરંતુ, ખોટા ઉપજાવી કાઢેલ બીલો બનાવી રેઝીન પાઉડરની બેગમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો ટ્રાન્સફર કરી કંપનીનાં માલીક વિનોદભાઇ તેજાભાઇ પટેલ કન્ટેનરો મારફત આ જથ્થો એક્સ્પોર્ટ કરવાની તૈયારીમાં હતા. જો કે આ જથ્થો એક્સ્પોર્ટ થાય તે પહેલા જ ગાંધીનગરની ખેતીવાડી ખાતાની જાગૃત ટીમ દ્વારા અનઅધિકૃત ખાતરનો ખુબ જ મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પકડાયેલા ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો કંપનીનાં માલિક દ્વારા કયાં ખાતરનાં વિક્રેતાઓ પાસેથી મેળવેલ છે અને કોને સપ્લાય કરવામાં આવનાર હતો તે અંગેની તપાસ માટે તા.૧૦.૦૪.૨૦૨૩ નાં રોજ દેવસર-બીલીમોરાના વિનોદભાઇ તેજાભાઇ પટેલ સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
