સ્ટાર પ્લસે 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે સરસ્વતી ચંદ્ર
મુંબઈ, 2 ફેબ્રુઆરી : જાણીતા નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળી 18મી ફેબ્રુઆરીથી સ્ટાર પ્લસ ઉપર પોતાની નવી અને ભવ્ય સીરિયલ લઈને આવી રહ્યાં છે. સીરિયલનું નામ છે સરસ્વતી ચંદ્ર. જાણીતા ગુજરાતી નવલકથાકાર ગોવિંદરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર ઉપર આધારિત આ સીરિયલ ખૂબ જ ભવ્ય રીતે નાના પડદે શરૂ થવા જઈ રહી છે. તેમાં મુખ્ય કલાકારો છે જેનીફર સિંહ અને ગૌતમ રાડે.

શોનું પ્રોમો પણ ટીવી ઉપર આવવું શરૂ થઈ ગયું છે. ભાનુશાળીની આ પ્રથમ ટીવી સીરિયલ છે. આ અગાઉ તેમણે અનેક રિયલિટી શોમાં જજ તરીકેની ભૂમિકા ભજવી છે, પરંતુ પ્રથમ વાર કોઈ સીરિયલ લઈને આવી રહ્યાં છે. અગાઉ સરસ્વતી ચંદ્ર સીરિયલ કલર્સ ઉપર શરૂ થવાની હતી, પરંતુ હવે તે સ્ટાર પ્લસ ઉપર શરૂ થવાની છે.
સંજય લીલા ભાનુશાળી એક બાજુ નાના પડદે સરસ્વતી ચંદ્ર લઈને આવી રહ્યાં છે, તો મોટા પડદે રામલીલા લાવી રહ્યાં છે કે જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે છે.
સરસ્વતી ચંદ્ર ગુજરાતી નવલકથાકાર ગોવિંદરામ માધવરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર ઉપર આધારિત છે. આ નવલકથા ઉપર 60ના દશકામાં હિન્દી ફિલ્મ સરસ્વતી ચંદ્ર બની હતી કે જે ખૂબ હિટ રહી હતી. તેમાં નૂતનનો રોલ ખૂબ વખણાયો હતો. સરસ્વતી ચંદ્રનો રોલ મનીષે કર્યો હતો. તે ફિલ્મના તમામ ગીતો હિટ રહ્યા હતાં અને આજે પણ તે કર્ણપ્રિય ગીતો લોકો સાંભળવા માટે એક વાર થંભી જાય છે. તે વખતે રંગીન ફિલ્મોનો દોર શરૂ થઈ ચુક્યો હતો. આમ છતાં સરસ્વતી ચંદ્ર બ્લૅક એન્ડ વ્હાઇટમાં બની હતી અને છતાં હિટ રહી હતી.












Click it and Unblock the Notifications
