મુંબઈ, 12 નવેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચને થોડાક દિવસ પહેલા મહિલાઓના હકમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, તો આજે તેમણે દીકરીઓના વખાણમાં કેટલાક શબ્દો લોકો સાથે શૅર કર્યા છે. સીનિયર બચ્ચનનું કહેવું છે કે દીકરીઓ બહુ ખાસ હોય છે અને તેઓ પરિવારને એક તાંતણે બાંધી રાખવામાં પણ મદદ કરે છે.
અમિતાભ બચ્ચન આજકાલ કોલકાતામાં પીકૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આમ છતાં તેમણે સમય કાઢી પોતાના અધિકૃત બ્લૉગ એસઆરબચ્ચન.ટમ્બલર.કૉમ ઉપર દીકરીઓના વખાણ કરતી વાતો લખી છે.
અમિતાભે લખ્યું, ‘દીકરીઓ ખાસ અને બહુ ખાસ હોય છે. તેઓ ઘરનો આત્મા બની જાય છે. આ તેમની ઉષ્મા અને પોતીકાપણાના કારણે જ છે કે જે આપણા સૌને પોતાનું બનાવી લે છે. તેઓ વિશ્લેષણ કરે છે, હિદાયત આપે છે, રક્ષણ કરે છે, નિયમો બનાવે છે અને તે નબળા તાંતણને આગળ વધારે છે કે જે આખા પરિવારને સાથે બાંધી રાખે છે. તેઓ આશય છે. તેઓ પરામર્શદાતા છે. તેઓ ખ્યાલ છે. તેઓ પથપ્રદર્શક છે. તેઓ સર્વોચ્ચ છે.'
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં દીપિકા પાદુકોણેની તસવીર પણ શૅર કરી છે. દીપિકા પાદુકોણે પીકૂમાં અમિતાભના દીકરીના રોલમાં છે. પીકૂના સેટની તસવીરમાં દીપિકા-અમિતાભનો દીકરી-પિતા તરીકેનો પ્રેમ જોઈ શકાય છે.
શૂજીત સરકારની ફિલ્મ પીકૂમાં અમિતાભ-દીપિકા ઉપરાંત ઇરફાન ખાન પણ લીડ રોલમાં છે. પીકૂ આગામી 30મી એપ્રિલ, 2015ના રોજ રિલીઝ થવાની છે.
નોંધનીય છે કે દીકરીના આટલા વખાણ કરનાર અમિતાભ બચ્ચનની પણ એક દીકરી છે કે જેનુ નામ છે શ્વેતા. અમિતાભને શ્વેતા ઉપરાંત દોહિત્રી નવ્યા (શ્વેતાની દીકરી) અને પૌત્રી આરાધ્યા (પુત્ર અભિષેક-પુત્રવધુ ઐશ્વર્યા રાયની દીકરી) પણ છે કે જેમને અમિતાભ ખૂબ વહાલ અને પ્રેમ કરે છે.