US Iran Naval Clash: હોર્મુઝમાં વધ્યો તણાવ! અમેરિકી યુદ્ધ જહાજો પર હુમલાનો દાવો, ટ્રમ્પે કહ્યું- ઈરાન પૂરી રીત
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ પુન: જોખમી સ્તરે પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Truth Social પર દાવો કર્યો કે હોર્મુઝ જલડમરુમધ્યમાં ત્રણ અમેરિકી નૌકાદળના "વર્લ્ડ ક્લાસ ડેસ્ટ્રોયર" યુદ્ધ જહાજો પર ઈરાન સમર્થિત હુમલાખોરોએ હુમલો કર્યો. અમેરિકી સેનાએ જવાબી કાર્યવાહીમાં હુમલાખોરોને સંપૂર્ણપણે ધ્વસ્ત કર્યા, જ્યારે અમેરિકી જહાજો સુક્ષિત રહ્યા અને ઈરાની બોટ તથા શસ્ત્રો નષ્ટ કરાયા.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, હુમલાખોરોએ મિસાઈલો અને ડ્રોન વડે યુદ્ધ જહાજો પર હુમલો કર્યો, જેને અમેરિકી સંરક્ષણ પ્રણાલીએ હવામાં જ નષ્ટ કર્યા. તેમણે કહ્યું: "મિસાઈલોને સરળતાથી ઇન્ટરસેપ્ટ કરી નષ્ટ કરવામાં આવી. ડ્રોન હવામાં જ બાળીને ખતમ કરવામાં આવ્યા. તેઓ સમુદ્રમાં એ રીતે પડ્યા જાણે કોઈ પતંગિયું તેના અંત તરફ પડતું હોય." ટ્રમ્પનો દાવો છે કે જવાબી કાર્યવાહીમાં ઘણી ઈરાન સમર્થિત નાની નૌકાઓ સમુદ્રમાં ડૂબી હતી, જેનો ઉપયોગ ઈરાન તેની નબળી નૌકાદળને બદલે કરતું હતું.

ટ્રમ્પે ઈરાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે "સામાન્ય દેશ" અમેરિકી યુદ્ધ જહાજોને પસાર થવા દેશે, પણ ઈરાન "કટ્ટરપંથીઓ"ના નિયંત્રણમાં છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાનને પરમાણુ શસ્ત્રો વાપરવાની તક મળશે, તો તે જરાય ખચકાશે નહીં, "પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં." ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન જલ્દી કરાર પર હસ્તાક્ષર નહીં કરે, તો અમેરિકા ભવિષ્યમાં "વધુ કડક અને હિંસક" કાર્યવાહી કરશે.
આ ત્રણેય ડેસ્ટ્રોયર હવે અમેરિકી નૌકાદળના 'વોલ ઑફ સ્ટીલ' અભિયાનમાં જોડાશે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સમુદ્રી નાકેબંધી (Naval Blockade) મજબૂત કરી છે, જેનો ઉદ્દેશ્ય હોર્મુઝ જલડમરુમધ્યમાં વ્યાપારિક જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી ઈરાન પર દબાણ વધારવાનો છે. આ જલડમરુમધ્ય વૈશ્વિક તેલ વેપારનો મોટો હિસ્સો વહન કરતો સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે.
જો આ ક્ષેત્રમાં સંઘર્ષ વધે તો વૈશ્વિક તેલ કિંમતો, ગેસ સપ્લાય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને શેરબજારો પર સીધી અસર પડશે. અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલેથી જ તીવ્ર તણાવ છે. તાજેતરમાં ઈરાની બંદરોની નાકેબંધી, અમેરિકી સૈન્ય અભિયાન 'પ્રોજેક્ટ ફ્રીડમ', ડ્રોન-મિસાઈલ હુમલા અને ખાડીમાં નૌકાદળની ગતિવિધિઓ ઝડપથી વધી છે. જોકે, 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને અસ્થાયી રૂપે રોકવાની જાહેરાત થઈ છે, છતાં ઈરાન પર લશ્કરી દબાણ યથાવત છે.
ટ્રમ્પના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પશ્ચિમ એશિયામાં સંઘર્ષના મોટા સ્વરૂપ ધારણ કરવાની ચિંતા પ્રવર્તી છે. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો લશ્કરી સંઘર્ષ વધશે, તો તેની અસર માત્ર ખાડી ક્ષેત્ર પૂરતી સીમિત નહીં રહે, બલ્કે સમગ્ર વિશ્વની અર્થવ્યસ્થા અને ઊર્જા બજાર પ્રભાવિત થઈ શકે છે.
હૉર્મુઝ જલડમરુમધ્યમાં થયેલી તાજી અથડામણે વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી દીધી છે. દુનિયાનું લગભગ 20% કાચું તેલ આ માર્ગેથી પસાર થતું હોવાથી, આ તણાવથી તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવવાની આશંકા છે. નિષ્ણાતો માને છે કે 'પ્રોજેક્ટ ફ્રીડમ' પરની અસ્થાયી રોક અને આ અથડામણે શાંતિ કરારની અપેક્ષાઓને હાલ પૂરતી ધૂંધળી કરી દીધી છે.












Click it and Unblock the Notifications
