વોશિંગ્ટનમાં ફાયરિંગથી મચી અફરાતફરી! વોશિંગ્ટન મોન્યુમેન્ટ પાસે સીક્રેટ સર્વિસે શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં એક મોટી સુરક્ષા ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. વોશિંગ્ટન મોન્યુમેન્ટ પાસે એક હથિયારબંધ શંકાસ્પદ અને યુ.એસ. સિક્રેટ સર્વિસના અધિકારીઓ વચ્ચે થયેલા ગોળીબાર બાદ વ્હાઇટ હાઉસને સાવચેતીના ભાગરૂપે થોડા સમય માટે લોકડાઉન કરાયું હતું. આ ઘટના સોમવારે બપોરે લગભગ 3:30 વાગ્યે 15મી સ્ટ્રીટ એસ.ડબ્લ્યુ. અને ઇન્ડિપેન્ડન્સ એવન્યુ એસ.ડબ્લ્યુ. નજીક બની હતી. રસપ્રદ વાત એ છે કે, ઘટના સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સનો કાફલો એ જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓની સતર્કતા વધી.

સિક્રેટ સર્વિસના ડેપ્યુટી ડાયરેક્ટર મેથ્યુ સી. ક્વિને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વ્હાઇટ હાઉસના બાહ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા સાદા વેશના એજન્ટોએ હથિયારબંધ શંકાસ્પદને જોયો. ગણવેશધારી અધિકારીઓ નજીક આવતા શંકાસ્પદે ભાગવાનો પ્રયાસ કર્યો અને અચાનક એજન્ટો પર ગોળીબાર કર્યો. ગંભીર પરિસ્થિતિમાં એજન્ટોએ તુરંત વળતો ગોળીબાર કરી, શંકાસ્પદને ઘાયલ કર્યો. તેને કસ્ટડીમાં લઈ હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની પૂછપરછ કરાશે અને હાલત પર નજર રખાઈ રહી છે.
આ ઘટનામાં એક બાળકને પણ શંકાસ્પદની ગોળી વાગી હોવાના સમાચાર છે. જોકે, અધિકારીઓ મુજબ તેની ઇજાઓ ગંભીર નથી અને જીવલેણ નથી. બનાવ બનતા જ સુરક્ષા એજન્સીઓએ તુરંત વિસ્તાર ઘેરી વ્હાઇટ હાઉસને લોકડાઉન કર્યું અને લોકોની અવરજવર પર રોક લગાવી દીધી. પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા આ પ્રતિબંધો હટાવી દેવાયા.
આ ઘટનાએ વોશિંગ્ટન ડી.સી.માં સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને આવા સંવેદનશીલ વિસ્તારોમાં. હાલ આ મામલે તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, લગભગ એક સપ્તાહ અગાઉ વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન ડિનર દરમિયાન પણ સુરક્ષા ભંગનો મામલો બન્યો હતો. પોલીસ અને સિક્રેટ સર્વિસ હવે તપાસ કરી રહી છે કે શંકાસ્પદનો ઇરાદો કોઈ વીવીઆઈપીને નિશાન બનાવવાનો હતો કે આ રેન્ડમ હુમલો હતો.












Click it and Unblock the Notifications
