'મોજતબા ખામેનેઈ ન દેખાય છે, ન બોલે છે, આવે છે માત્ર મેસેજ', આખરે ક્યાં છે ઈરાનના સુપ્રીમ લીડર?
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ રહસ્યમય રીતે ગેરહાજર છે. 28 ફેબ્રુઆરી, યુદ્ધના પ્રથમ દિવસથી તેઓ જાહેરમાં દેખાયા નથી કે તેમનો અવાજ સંભળાતો નથી; માત્ર લેખિત સંદેશા જ આવે છે. તેમની સલામતી અને સ્વાસ્થ્ય અંગે સવાલો ઉભા થયા છે.
અહેવાલો મુજબ, યુદ્ધના પહેલા જ દિવસે તેમને અમેરિકી હુમલામાં ગંભીર ઈજાઓ થઈ હતી. એ જ હુમલામાં તેમના પિતા અને તત્કાલીન ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું અવસાન થયું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઈરાને મોજતબાના સ્વાસ્થ્યની વિસ્તૃત માહિતી નથી આપી. 'ન્યૂ યોર્ક ટાઈમ્સ', ચાર ઈરાની અધિકારીઓને ટાંકીને જણાવે છે કે, તેઓ "ગંભીર રીતે ઘાયલ" છતાં "માનસિક રીતે સચેત અને સક્રિય" છે. તેમને કૃત્રિમ અંગની જરૂર છે (એક પગની ત્રણ સર્જરી થઈ છે) અને એક હાથ પૂર્ણ કાર્યરત નથી. ચહેરા અને હોઠ પર દાઝવાથી બોલવામાં મુશ્કેલી પડે છે, પ્લાસ્ટિક સર્જરી અનિવાર્ય છે.

મોજતબાનું ઠેકાણું ગુપ્ત છે, તેથી મર્યાદિત લોકો જ તેમને મળી શકે છે. તેઓ ડોકટરો અને આરોગ્ય વ્યાવસાયિકોથી ઘેરાયેલા રહે છે. ઇઝરાયેલના ડરથી રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર તેમને મળતા નથી. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન અને આરોગ્ય મંત્રી તેમની દેખભાળમાં સતત સામેલ છે.
મોજતબા નબળા ન દેખાય તેવા ડરથી કેમેરા કે માઇક્રોફોન સામે આવતા નથી. તેમનો સંપર્ક હસ્તલિખિત સંદેશાઓ દ્વારા થાય છે, જે વિશ્વસનીય દૂતોની શૃંખલા મારફતે રસ્તાઓ પર મુસાફરી કરીને પહોંચાડાય છે. તેમનો જવાબ પણ આ જ રીતે પાછો ફરે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ હાલ પૂરતું અટક્યું છે. કાયમી ઉકેલ મળે ત્યાં સુધી હંગામી યુદ્ધવિરામ પર બંને પક્ષો સંમત થયા છે. પાકિસ્તાનની મધ્યસ્થીમાં પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહી, હવે બીજા રાઉન્ડની અપેક્ષા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહના અંત સુધીમાં તે શક્ય હોવાના સંકેત આપ્યા છે.












Click it and Unblock the Notifications
