ફેમસ થવાના ચક્કરમાં કિશોર જેલના સળિયા પાછળ ધકેલાયો
મિત્રોમાં અને સોશિયલ મીડિયામાં ફેમસ બનવાની કોશિશમાં એક કિશોર જેલમાં પહોંચી ગયો છે.
રાજકોટ : મિત્રોમાં અને સોશિયલ મીડિયામાં ફેમસ બનવાની કોશિશમાં એક કિશોર જેલમાં પહોંચી ગયો છે. તેની મોટરસાઇકલ ચલાવતી વખતે બંદૂક લહેરાવતો વીડિયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે 18 વર્ષીય હર્ષ દાફડા અને તેના પિતા મનસુખ દાફડા (52)ની ધરપકડ કરી હતી. હર્ષ હાથમાં બંદૂક લઈને બાઇક ચલાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર હર્ષ અને મનસુખ પર આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, હર્ષ જ્યારે જંઝરડા રોડ પર બાઇક ચલાવી રહ્યો હતો, ત્યારે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં યુવક એક હાથમાં બંદૂક લઈને બાઇક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે, હર્ષના મિત્રએ મોબાઈલ ફોનમાં આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેને આરોપીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. આ બંદૂક હર્ષના પિતા મનસુખને લાઇસન્સ આપવામાં આવી હતી, જેઓ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે.
જૂનાગઢની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પિતા-પુત્રની ધરપકડ કરી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. હર્ષે પોલીસને જણાવ્યું કે, તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો કારણ કે, તે ફેમસ થવા માંગતો હતો.












Click it and Unblock the Notifications
