Virugambakkam Chutani Result 2026: સબરીનાથન કોણ છે? વિજયના ડ્રાઇવરનો પુત્ર જીતના માર્ગ પર!
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે મતગણતરી સોમવાર, ૪ મેના રોજ સવારે ૮ વાગ્યે શરૂ થઈ હતી. બપોર સુધીમાં થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેઠ્રી કઝગમ (TVK) રાજ્યભરમાં પ્રચંડ સફળતા મેળવી રહી હતી. પ્રારંભિક વલણો અનુસાર, TVK બહુમત માટે જરૂરી ૧૧૮ બેઠકોની નજીક પહોંચીને ૧૦૮ બેઠકો પર આગળ હતી.
આ જ સમયગાળા દરમિયાન, ચેન્નઈની વિરુગામ્બક્કમ વિધાનસભા બેઠક પરથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. થલાપતિ વિજયના લાંબા સમયથી અંગત ડ્રાઈવર રાજેન્દ્રનનો પુત્ર આર. સબરીનાથન (R Sabarinathan) TVKની ટિકિટ પર ભારે બહુમતી સાથે આગળ ચાલી રહ્યા છે. ૨૩ રાઉન્ડમાંથી ૬ રાઉન્ડની ગણતરી બાદ સબરીનાથને ૧૯,૧૮૬ મત મેળવી ૬,૩૨૫ મતોની લીડ બનાવી લીધી હતી.
તેમના પ્રતિસ્પર્ધીઓ DMKના પ્રભાકર રાજા (૧૨,૮૬૧ મત) અને AIADMKના વિરુગાઈ વી.એન. રવિ (૧૦,૯૮૧ મત) સબરીનાથનથી ઘણા પાછળ હતા. આ માત્ર એક બેઠકની લડાઈ નથી, પરંતુ TVKની નવી રાજનીતિનું પ્રતીક છે, જ્યાં વિજયે ગરીબ, વફાદાર અને સામાન્ય લોકોને ટિકિટ આપીને પોતાને 'જન નાયક' તરીકે સ્થાપિત કર્યા છે.

આર. સબરીનાથન કોણ છે? લગભગ ૩૨-૩૫ વર્ષીય સબરીનાથન ચેન્નઈના વિરુગામ્બક્કમ વિસ્તારના એક સામાન્ય યુવાન છે. તેમના પિતા રાજેન્દ્રન છેલ્લા ૧૫ વર્ષથી થલાપતિ વિજયના અંગત ડ્રાઈવર તરીકે સેવા આપી રહ્યા છે. રાજેન્દ્રન વિજયના ફિલ્મી જીવનના દરેક તબક્કાના સાક્ષી રહ્યા છે, પછી તે રાતભરનું શૂટિંગ હોય કે સવારનું જીમ સેશન.
સબરીનાથનનું પરિવાર મધ્યમ વર્ગનો છે. તેમણે સ્થાનિક કોલેજમાંથી અભ્યાસ કર્યો છે અને તેમના પિતાની જેમ જ વિજયની નજીક રહ્યા છે. ૨૦૨૪માં TVKની સ્થાપના થઈ ત્યારથી તેઓ પાર્ટીના ગ્રાઉન્ડ વર્કર હતા. જ્યારે વિજયે તેમને વિરુગામ્બક્કમથી ટિકિટ આપી, ત્યારે પાર્ટીના ઘણા લોકોને પણ આશ્ચર્ય થયું હતું.
જોકે, વિજયે એક સભામાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, "મારો ડ્રાઈવર રાજેન્દ્રન ૧૫ વર્ષથી મારી સાથે છે. તેનો પુત્ર સબરીનાથન હવે મારો સાથી બનશે." તે ક્ષણે સભામાં હાજર કાર્યકરોની આંખો ભીની થઈ ગઈ હતી. વિજયે વધુમાં જણાવ્યું હતું કે, "હું કલાકારોને નહીં, પરંતુ સામાન્ય લોકોને તક આપવા માંગુ છું." આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
વિરુગામ્બક્કમ ચેન્નઈનો એક મિશ્ર શહેરી-મધ્યમ વર્ગનો વિસ્તાર છે. છેલ્લી ચૂંટણીમાં અહીં DMKનો દબદબો હતો. પરંતુ આ વખતે TVKએ સ્થાનિક મુદ્દાઓ જેવા કે બેરોજગારી, મોંઘવારી, નશાખોરી અને યુવા રોજગારને પ્રાધાન્ય આપ્યું. સબરીનાથને ઘરે-ઘરે જઈને પ્રચાર કર્યો અને તેમના પિતા રાજેન્દ્રન પણ દરેક રેલીમાં હાજર રહ્યા હતા.
બપોરના ૧:૨૬ વાગ્યા સુધીના મતગણતરીના અપડેટ્સ મુજબ, આર. સબરીનાથન (TVK) ૧૯,૧૮૬ મતો સાથે ૬,૩૨૫ મતોની લીડ પર છે. પ્રભાકર રાજા (DMK) ૧૨,૮૬૧ મત અને વિરુગાઈ વી.એન. રવિ (AIADMK) ૧૦,૯૮૧ મત સાથે પાછળ છે. આ પ્રારંભિક લીડ અત્યંત નોંધપાત્ર છે અને જો આ વલણ જળવાઈ રહેશે તો વિરુગામ્બક્કમ બેઠક TVKના ફાળે જઈ શકે છે.
TVK રાજ્યભરમાં ૧૦૮ બેઠકો પર આગળ છે, જ્યારે AIADMK ૬૪ અને DMK ૪૫ બેઠકો પર સમેટાઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે TVKની આ સફળતાનું સૌથી મોટું રહસ્ય વિજયની ટિકિટ વિતરણ વ્યૂહરચના છે. તેમણે ઘણા એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ સામાન્ય પરિવારોમાંથી આવે છે, પાર્ટીના વફાદાર ગ્રાઉન્ડ વર્કર્સ છે, અને સાધારણ પૃષ્ઠભૂમિ ધરાવે છે (જેમ કે ડ્રાઈવરના પુત્રો, ખેડૂતો, નાના વેપારીઓ).
વિજયે કહ્યું હતું કે, "હું કલાકારોની નહીં, પરંતુ જનતાની પાર્ટી બનાવવા માંગુ છું." વિરુગામ્બક્કમનું આ ઉદાહરણ સમગ્ર રાજ્યમાં પુનરાવર્તિત થયું છે. TVKએ મહિલાઓને ૮ ગ્રામ સોનું, મફત ગેસ સિલિન્ડર અને માસિક ₹૨૫૦૦ની સહાય જેવા વચનો પણ આપ્યા છે. ગરીબોને ટિકિટ આપીને વિજયે 'યોગ્યતા પૈસાથી ઉપર'નો સંદેશો આપ્યો છે.
આ નીતિને કારણે યુવાનો અને મધ્યમ વર્ગ TVK તરફ આકર્ષાયા છે. આ વ્યૂહરચનાએ પાર્ટીને સારો પ્રતિસાદ અપાવ્યો છે અને ચૂંટણી પરિણામોમાં તેનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
