Jharkhand Election 2024 : ઝારખંડ ચૂંટણી માટે બીજેપીનો મેનિફેસ્ટો જાહેર, જાણો મહત્વના વાયદાઓ
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ તેનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે.
આ વખતે બીજેપીએ દર વખતની જેમ જ મોટા વાયદાનો વરસાદ કર્યો છે. આ મેનિફેસ્ટોમાં ઘણી બાબતો એવી છે જે માત્ર વાયદા પુરતી સિમિત દેખાઈ રહી છે.

અમિત શાહે રાંચીમાં એક કાર્યક્રમમાં બીજેપીનો આ ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો. ભાજપે ઝારખંડના 25 વર્ષ પર 25 સંકલ્પ પત્રો જારી કર્યા છે.
બીજેપીએ આ ઢંઢેરામાં ઝારખંડની જનતાને 25 વચનો આપ્યા છે. જેમાં મહિલાઓને ગોગો દીદી યોજના હેઠળ દર મહિને 2100 રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય સ્ટેમ્પ ડ્યુટી ઘટાડીને 1 રૂપિયો કરવાનું વચન આપ્યુ છે. તે સિવાય લક્ષ્મી જોહર યોજના હેઠળ 500 રૂપિયાના ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યુ છે.
બીજેપીના 25 વાયદા
- ગોગો દીદી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા મળશે. મહિલાઓ માટે 2,100 રૂપિયા પ્રતિ માસ સાથે 2 ફ્રી સિલિન્ડરનો વાયદો.
- લક્ષ્મી જોહર યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન. એક વર્ષમાં બે સિલિન્ડર બિલકુલ ફ્રી
- યુવાનોને 2 વર્ષ માટે દર મહિને 2,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
- 21 લાખ પરિવારોને તેમના કાયમી મકાનોનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે મફત નળ કનેક્શન પણ અપાશે.
- ઘૂસણખોરોને રોકવા અને કબજે કરેલી જમીનો પરત કરવા માટે કડક કાયદાનો અમલ કરવામાં આવશે.
- મહિલાઓ માટે માત્ર 1 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લાદવામાં આવશે. એટલે કે જમીનની નોંધણી માટે મહિલાઓએ માત્ર એક રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે.
- સરકારી સંસ્થાઓમાં B.Ed, નર્સિંગ અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો મફત કરાશે. ખાનગી સંસ્થાઓમાં ટ્યુશન ફી માફ કરવામાં આવશે.
- ઝારખંડમાં વિસ્થાપન પહેલા પુનર્વસન સુનિશ્ચિત કરવા માટે પુનર્વસન આયોગની રચના કરાશે.
- આદિવાસી સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે સિધો-કાન્હો સંશોધન કેન્દ્રની સ્થાપનાનું વચન.
- ફૂલો-ઝાનો પઢો બીટીયા યોજના હેઠળ ગરીબ અને પછાત વર્ગની દીકરીઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ.
- માતૃત્વ સુરક્ષા યોજના હેઠળ દરેક સગર્ભા સ્ત્રીને 6 પોષણ કિટ અને ₹ 21,000 ની સહાય આપવામાં આવશે.
- 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે, દરેક જિલ્લામાં 10 નવી સરકારી મેડિકલ કોલેજ અને એક નર્સિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે.
- બે વર્ષમાં નક્સલવાદનો અંત લવાશે.
- સરપંચોનો પગાર બમણો કરીને ₹5000 કરશે.
- 2027 સુધીમાં ઝારખંડને માનવ તસ્કરીથી મુક્ત બનાવવા માટે ઓપરેશન સુરક્ષા શરૂ કરવામાં આવશે.
- કૃષક સુ-નીતિ હેઠળ ક્વિન્ટલ દીઠ ₹3,100 સુધીમાં ડાંગર ખરીદવામાં આવશે. 5 એકર સુધીની જમીન પર પ્રતિ એકર ₹5,000ના દરે કૃષિ આશીર્વાદ યોજના લાગુ કરવામાં આવશે.
- સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત પ્રથા ચાલુ રાખવાનું વચન આપ્યું છે. OBC માટે 27% અનામત યથાવત રહેશે.
- ડાયમંડ ચતુર્ભુજ એક્સપ્રેસવેનું નિર્માણ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 25,000 કિમીના રસ્તાઓનું નિર્માણ, રાજધાની રાંચી સાથે દરેક જિલ્લા મુખ્યાલયને જોડવા માટે રેલ નેટવર્કનું વિસ્તરણ.
- ઝારખંડ બહાર રહેતા ઝારખંડવાસીઓની સુવિધા માટે દેશના તમામ મોટા શહેરોમાં જોહર ભવન બનાવશે.
- વૃદ્ધો, વિધવાઓ અને અપંગ લોકો માટે ₹2,500 સુધીનું માસિક પેન્શન લાગુ કરવામાં આવશે.
- ગ્રામીણ આજીવિકાને પ્રોત્સાહન આપવા અરહર અને મદુઆને એમએસપીમાં સામેલ કરવાનું અને આદિવાસી બ્લોક્સમાં પ્રોસેસિંગ કેન્દ્રો સ્થાપવાનું વચન.
- આદિવાસી સમુદાયને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાર્યક્ષેત્રમાંથી બહાર રાખશે અને PESA કાયદા દ્વારા વડાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને સશક્તિકરણ કરશે.
- ઝારખંડને કૌશલ્ય વિકાસના હબ તરીકે વિકસાવશે.
- ભાજપે ઝારખંડને પ્રવાસન હબ બનાવવા માટે આદિવાસી સર્કિટ, ઈકો-ટૂરિઝમ અને સાંસ્કૃતિક કેન્દ્રો વિકસાવવાનું વચન આપ્યું છે.
- ઝારખંડ ઇન્ટર્નશીપ અને કૌશલ્ય પ્રશિક્ષણ (JIST) પ્રોગ્રામ શરૂ કરશે અને 5 લાખ યુવાનોને તાલીમ અને ₹ 1 લાખની નાણાકીય સહાય આપશે.












Click it and Unblock the Notifications
