કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગે રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો ઠરાવ પસાર કર્યો
રાહુલ ગાંધીને ફરી એક વખત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગ પાર્ટીની અંદર વધવા લાગી છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી : રાહુલ ગાંધીને ફરી એક વખત કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માંગ પાર્ટીની અંદર વધવા લાગી છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવે.
આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ વહેલી તકે પાર્ટીના અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ. આ સિવાય કોંગ્રેસના શિડ્યુલ કાસ્ટ વિભાગે પણ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવા માટે શુક્રવારના રોજ ઠરાવ પસાર કર્યો હતો.

કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ રોહન ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક દરમિયાન રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી એકમાત્ર એવા નેતા છે જેમણે સત્યને સમર્થન આપવાની અને જાહેર પરોપકારની વાત કરવાની હિંમત દર્શાવી છે, તેથી તેમણે પાર્ટીના અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ.
રાહુલ ગાંધી પક્ષને સારી રીતે સંભાળી શકે છે, તેથી આપણે બધાએ સર્વસંમતિથી આ ઠરાવ પસાર કર્યો કે, રાહુલ ગાંધીએ વહેલી તકે પાર્ટીના અધ્યક્ષની જવાબદારી સંભાળવી જોઈએ.
કોંગ્રેસની લગભગ દરેક છાવણીમાંથી માંગ છે કે, રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે. માત્ર અનુસૂચિત જાતિ વિભાગ, સોશિયલ મીડિયા વિભાગ જ નહીં પણ ભારતીય યુથ કોંગ્રેસ, દિલ્હી મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ વિદ્યાર્થી પાંખ NSUI એ અલગ ઠરાવો પસાર કરીને રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ છે. વાસ્તવમાં રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
