પાકિસ્તાનના વિદેશ મંત્રીની પીએમ મોદી સામે અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આજે ભાજપનુ દેશભરમાં વિરોધ પ્રદર્શન
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના મોદી કસાઈવાળા નિવેદન પર આજે ભાજપના કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.
BJP Nationwide Protest: પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી સામે ભારતીય જનતા પાર્ટી આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આ પહેલા શુક્રવારે પાક ઉચ્ચાયોગની બહાર ભાજપ કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ અને તોડફોડ કરી હતી.

ભાજપ કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
પાક વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદી સામે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને દેશભરમાં ભાજપ કાર્યકર્તાઓમાં રોષ છે. નારાજ કાર્યકર્તાઓએ દિલ્લી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં પાક ઉચ્ચાયોગ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ભાજપે શુક્રવારે એક નિવેદનમાં કહ્યુ કે, 'દેશભરના તમામ રાજ્યોની રાજધાનીઓમાં શનિવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો પાકિસ્તાન અને પાકિસ્તાની વિદેશ મંત્રીના પૂતળાને બાળશે અને પાકિસ્તાની વિદેશ મંત્રીના શરમજનક નિવેદનની સખત નિંદા કરશે.'
પાક મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીને કહ્યા 'કસાઈ'
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે વિવાદિત નિવેદન આપીને કહ્યુ કે ઓસામા બિન લાદેન તો મરી ગયો પરંતુ ગુજરાતના કસાઈ હજુ જીવતા છે અને તે ભારતના પ્રધાનમંત્રી છે. આ નિવેદન ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આપ્યુ છે. આના પર ભાજપે કહ્યુ કે ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે, જ્યારે પાકિસ્તાનને નાના દેશો તરફથી પણ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. બિલાવલ ભુટ્ટોની ટીપ્પણીને ભાજપે અત્યંત અપમાનજનક અને કાયર નિવેદન ગણાવ્યુ હતુ. ભાજપે કહ્યુ કે આ ટિપ્પણી પાકિસ્તાનની ગગડતી અર્થવ્યવસ્થા, પાકિસ્તાનમાં અરાજકતા અને તેના પરથી વૈશ્વિક ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.
'પાકિસ્તાન હંમેશા બને છે ઉપહાસ અને અપમાનનો ભોગ'
ભાજપે વધુમાં કહ્યુ, 'એક તરફ આપણી પાસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જેમના નેતૃત્વમાં ભારતે વિવિધ વૈશ્વિક મંચો પર અમીટ છાપ ઉભી કરી છેઅને બીજી તરફ, આપણી પાસે પાકિસ્તાન છે, જે હંમેશા આંતરરાષ્ટ્રીય મંચો પર ઉપહાસ અને અપમાનનો ભોગ બને છે. એક તરફ ભારતની વિદેશ નીતિની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. તો બીજી તરફ પાકિસ્તાનને નાના દેશોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
'ભુટ્ટોનુ નિવેદન અસભ્ય અને નીચલા સ્તરનુ'
વિદેશ મંત્રાલય(MEA)ના પ્રવકતા અરિંદમ બાગચીએ પણ બિલાવલ ભુટ્ટોના નિવેદન પર આકરો જવાબ આપીને કહ્યુ કે આ ખૂબ જ અસભ્ય અને નીચલા સ્તરનુ નિવેદન છે. પાકિસ્તાન એક એવો દેશ છે, જે ઓસામા બિન લાદેનને એક શહીદ ગણાવે છે અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઈબ્રાહીમ જેવા આતંકવાદીઓ શરણ આપે છે. પાકિસ્તાનના વિદેશમંત્રીની નિરાશા તેમના જ દેશના આતંકવાદી માસ્ટરમાઈન્ડો તરફ નિર્દેશિત કરવામાં આવશે જેમણે આતંકવાદને તેમની રાજ્યની નીતિનો ભાગ બનાવ્યો છે. પાકિસ્તાનને તેની માનસિકતા બદલવાની અથવા અછૂત બની રહેવાની જરુર છે.












Click it and Unblock the Notifications
