T20 મેચ દરમિયાન અમદાવાદના આ રસ્તાઓ બંધ રહેશે,જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T-20 મેચ યોજાશે. સંભવિત ટ્રાફિક જામ ટાળવા કેટલાક માર્ગો બંધ કરાયા છે, જેથી નિયમિત વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે.

પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ, મેચમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવરને ધ્યાનમાં રાખી વાહનવ્યવહાર સુચારુ રાખવા વ્યવસ્થા ગોઠવાઈ છે. જનપથ 'ટી' થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી 'ટી' સુધીનો માર્ગ અને કૃપા રેસિડેન્સી 'ટી' થી મોટેરા ગામ 'ટી' સુધીનો રસ્તો અવરજવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા, વિસત 'ટી', જનપથ 'ટી', પાવર ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલનો સમાવેશ થાય છે. બીજો વૈકલ્પિક માર્ગ કૃપા રેસિડેન્સી 'ટી' થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ પરથી અપોલો સર્કલ તરફ ઉપલબ્ધ છે.
આજે IND v/s SA T-20 મેચ માટે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા દર્શકોની સુવિધા અર્થે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટેરા ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી વિશેષ બસ સેવાઓ ઉપલબ્ધ થશે.
મેચના દિવસે સવારે 6:00 થી રાત્રિના 11:00 કલાક સુધી કુલ 36 વધારાની BRTS બસો સંચાલિત થશે. મેચ પૂર્ણ થયા બાદ દર્શકોને પરત પહોંચાડવા ઈસ્કોન–વિસત, એલ.ડી./નેહરુનગર–વિસત અને અખબારનગર–વિસત જંકશન જેવા મુખ્ય રૂટ માટે 10 વધારાની બસો તૈનાત રહેશે.
આ ઉપરાંત, આજની પાંચમી T-20 મેચને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેટ્રો સેવાઓ રાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. ટ્રાફિક પોલીસ, સુરક્ષા અધિકારીઓ અને સ્વયંસેવકો સંકલિત કામગીરી દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ જાળવશે, જેથી દર્શકોને સરળ, સલામત અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે.












Click it and Unblock the Notifications
