Gujarat Weather: ગુજરાતમાં કમોસમી વરસાદ, પાકને નુકશાન, વીજળીથી 5ના મોત, હજુ 4 દિવસ આગાહી
હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે.

Gujarat Weather: રાજ્યમાં 29 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં સવા ઈંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે હજુ પણ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે.
સાબરકાંઠાના હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. ગાંભોઈ ભિલોડા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવેમાં એક જ વરસાદમાં રોડની બાજુમાં ગાબડા પડી ગયા છે. અરવલ્લીના મોડાસામાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લામાં માર્કેટ યાર્ડમાં ખેત પેદાશો પણ વરસાદમાં પલળી હોવાના સમાચાર છે.
રાજ્યના 17 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે. 18 માર્ચે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 19 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, કચ્છમાં ગાજવીજ અને 40 કિમી પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતામાં છે. ફરી એક વાર માવઠુ પડતા ખેડૂતોને ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકશાનની ભીતિ છે.












Click it and Unblock the Notifications
