Gujarat Weather: આગામી 5 દિવસ આ સ્થળોએ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં જામનગરના લાલપુરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ થયો છે. આજે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. તેમજ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં અને પંચમહાલમાં વરસાદ પણ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત પર નવી કોઈ વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના નથી. જો કે, રાજ્યમાં અમુક ભાગોમાં છૂટોછવાયો અને હળવો વરસાદ થઈ શકે છે. વળી, દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના લીધે અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયા ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના લો પ્રેશરની અસર દક્ષિણ ગુજરાતના ભાગો પર થઈ રહી છે. આગામી પાંચ દિવસ ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના નહિવત છે.
જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 જુલાઈએ ઓરિસ્સામાં ડીપ ડિપ્રેશન બનશે જે મજબૂત થઈને પશ્ચિમ ઘાટ તરફ જવાની સંભાવના છે. જેનાથી ઉત્તર ભારતમાં વરસાદ થશે. ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદ થશે. નર્મદા અને તાપીના જળ સ્તરમાં વધારો થશે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ થશે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી 85 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના વિરામ બાદ હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને રાહત મળવાની સંભાવના છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
