Gujarat Weather: ગુજરાતમાં ગરમીનુ રૌદ્ર સ્વરુપ, પારો 42 ડિગ્રી, આ જિલ્લાઓમાં હિટવેવનુ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ગરમી તેની ચરમ સીમાઓ પહોંચી ગઈ છે. તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
હવામાન વિભાગે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની આગાહી કરી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન વધ્યુ છે. 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યુ છે. રાજ્યમાં આવતીકાલથી ફરી અતિ ભારે હિટવેવની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની સૌથી વધુ અસર રહેશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. 5થી 7 મે સુધી રાજ્યમાં હિટવેવ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
આઈએમડી મુજબ રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત, રાજકોટમાં પણ 42.3 ડિગ્રી, અમરેલીમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી, ભૂજમાં 40.6 ડિગ્રી, સુરતમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન દ્વારકામાં 32 ડિગ્રી નોંધાયુ હતુ.
તંત્ર દ્વારા બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચાવ માટે સૂચનો પણ કરવામાં આવ્યા છે. જેના સીધા તડકાના સંપર્કમાં ના આવવુ, હળવા રંગના અને સુતરાઉના કપડાં પહેરવા, માથુ ઢાંકીને રાખવુ વગેરેનો સમાવેશ થાય છે.
બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પૂરતા પ્રમાણના પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વળી, ઘરે બનાવેલ લીંબુનુ શરબત,વરિયાળીનુ શરબત, ઓઆરએસ, છાશ, લસ્સી, ફળોનો રસ પીવો જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે માથા પર છત્રી, ટોપી, ટુવાલ રાખવા જોઈએ.












Click it and Unblock the Notifications
