Gujarat Rain: ગુજરાતમાં અતિ ભારે વરસાદને પગલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, રાજ્યમાં 2 દિવસ રેડ એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં મેઘ તાંડવ યથાવત છે. કાલે સવાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના 28 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ગઈ કાલે મોડી રાતથી જ અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં હાલ ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં 89 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક સિવાયની સ્કૂલો એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રજા રાખવી કે નહીં તેનો નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારીએ લેવાનો રહેશે.
હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, બોટાદ અને કચ્છમાંઅતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓ એટલે કે પોરબંદર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે સવાર સુધી આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ તાંડવ કર્યુ છે. 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 75 તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 113 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 187 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 14.24 ઇંચ, ડાંગના આહવામાં 10.7 ઇંચ, કપરાડામાં 10.5 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડીયાપાડામાં 9.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં 10 સ્ટેટ હાઈવે હાલ બંધ છે. તમામ જિલ્લાની પોલીસ અને જિલ્લા કલેક્ટર તંત્ર નાગરિકોને સમજાવી દૂર ખસેડવાની કામગીરી ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે 1 દાહોદ અને 2 ગાંધીનગરમાં કુલ ત્રણ મૃત્યુ થયા છે.
વરસાદની એક સિસ્ટમ અમદાવાદથી 180 કિમી દૂર છે અને હાલ સાત કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. આ સાથે જેસલમેરની આસપાસ એક મોન્સૂન ટ્રફ બનેલું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ઓફશોર ટ્રફ બનેલું છે. આ ત્રણ સિસ્ટમને ધ્યાનમાં રાખતા આગામી બે દિવસ ગુજરાત રીજનમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઈ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાસણા બેરેજના 6 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજની સપાટી 128.75 કરવામાં આવી. સાબરમતીમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે. નર્મદામાંથી 10,070 ક્યુસેક અને સંત સરોવરમાથી 3915 ક્યુસેક પાણીની આવક થઈ છે.












Click it and Unblock the Notifications
