ખાતરને લઈને ખેડૂતોના હંગામા બાદ સરકાર જાગી, 10 જિલ્લામાં શંકાસ્પદ ડીલરોને નોટીસ મોકલાઈ
ગુજરાતમાં હાલ ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્રોશ બાદ રાજ્ય સરકારે સઘન તપાસ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માર્ચ અને એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના 10 જિલ્લામાં ખાતરનો મોટો જથ્થો શંકાસ્પદ રીતે વેચાયો છે. આ મામલે 37 ડીલરોને નોટિસ ફટકારવામાં આવી છે.

સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2024ની સરખામણીમાં આ વર્ષે માર્ચ-એપ્રિલમાં 40 થી 65 ટકા વધુ ખાતર વેચાયું છે. જે જિલ્લાઓમાં અસામાન્ય વેચાણ નોંધાયું છે તેમાં ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ, મહીસાગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે. આ અચાનક વેચાણ પાછળ ખાતરનો સંગ્રહખોરી અથવા ગેરકાયદેસર વેપાર હોવાની શક્યતા છે.
આ તપાસ દરમિયાન બે સંસ્થાઓ દ્વારા લાયસન્સ વિના યુરિયા ખાતરના વેચાણનો પર્દાફાશ થયો છે. જામનગરનું ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશન અને ભાવનગરનું ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન આ બંને સંસ્થાઓ પાસે યુરિયા વેચવાની કોઈ મંજૂરી ન હોવા છતાં માર્ચ અને એપ્રિલમાં મોટા પાયે યુરિયાનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ગેરકાયદે વેચાણને કારણે ખાતરની કૃત્રિમ અછત સર્જાઈ હોવાની સંભાવના છે.
ખાતરની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે તાત્કાલિક પગલાં લીધાં છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય કક્ષાએ એક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે, જેનો નંબર 079-23256080 છે. ખેડૂતો આ નંબર પર ફોન કરીને પોતાની સમસ્યા જણાવી શકે છે. સરકાર આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.












Click it and Unblock the Notifications
