Gujarat News: રાજ્યમાં ખાતર વિતરણને લઈ સરકારનો નિર્ણય, ખાતરની કાળાબજારી અટકાવવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા
Gujarat News: કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના 61% જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, DAP અને NPK ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસિડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે.

ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય, કાળાબજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા-તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોને જરૂર મુજબનું ખાતર ખરીદવા કૃષિ મંત્રીની અપીલ
ખાતર વિતરણ સંદર્ભે ખેડૂતોની ફરિયાદ, રજૂઆત માહિતી માટે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિક કલેકટર કક્ષાના વિશેષ અધિકારીની નિમણૂંક પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારની માગણી અનુસાર ભારત સરકાર દ્વારા તબક્કાવાર ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે, ત્યારે કૃષિ મંત્રી દ્વારા રાજ્યના ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મગફળી જેવા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે નાઈટ્રોજન યુક્ત ખાતર તરીકે યુરિયા ખાતરનો વધુ ઉપયોગ ના કરવા ભલામણ કરેલી છે. ડાંગર પાકમાં પણ નાઈટ્રોજન યુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
