'બિપરજોય'એ બે માસૂમ બાળકનો ભોગ લીધો, ભારે પવનને કારણે બાળકી કેનાલમાં ખાબકી
ગુજરાતમાં 'બિપરજોય' વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના શેખપુર ગામમાં અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. ભારે પવન ફૂંકાતાં એક બાળકી કેનાલમાં ખાબકી હતી, જેને બચાવવા માટે તેનો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. કમનસીબે બંનેનાં મોત નીપજતાં બાળકોનાં પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.
વાવાઝોડું હાલ જૂનાગઢ જિલ્લાથી તો દૂર છે, પરંતુ માંગરોળના દરિયાકાંઠા પર વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. માંગરોળના દરિયામાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. તંત્ર દ્વારા માંગરોળના દરિયાકાંઠા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર પર કરવામાં આવ્યું છે અને લોકોને દરિયાકાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

'બિપરજોય' વાવાઝોડું આવતીકાલે કચ્છના કાંઠે ટકરાવાની સંભાવના છે, પરંતુ એ પહેલાં દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ રહેલા ભારે પવનો અને તોફાની દરિયાના કારણે અત્યારસુધીમાં 8 લોકોનાં મોત નીપજી ચૂક્યાં છે.
રાજ્યના અલગ અલગ જિલ્લામાં બનેલા બનાવની વાત કરીએ તો 8 જૂનના રોજ દ્વારકાના દરિયામાં ડૂબી રહેલા એક યુવકને બચાવવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ત્યાર બાદ 12 જૂનના રોજ ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ પડતાં બે માસૂમ ભાઈ-બહેનનાં મોત નીપજ્યાં હતાં.
13 તારીખે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં દબાઈ જવાથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે આજે મહુધાના વડવાળી મુવાડીમાં ભારે પવનને કારણે લીમડાના ઝાડની તોતિંગ ડાળી પડતાં એક આધેડનું મોત નીપજ્યું હતું અને જૂનાગઢના માંગરોળ તાલુકાના શેખપુર ગામની કેનાલમાં ડૂબી જવાથી પિતરાઈ ભાઈ-બહેનનાં મોત નીપજ્યાં હતાં.












Click it and Unblock the Notifications
