ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતાં ૮ મેડિકલ સ્ટોર્સમાં દરોડા
રાજ્યની જનતાને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) સતર્ક છે. જેના ભાગરૂપે અમદાવાદમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતા ૮ મેડિકલ સ્ટોર્સ પર તાજેતરમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ તમામને કારણદર્શક નોટિસ ફટકારી તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે.

આ આકસ્મિક તપાસમાં ઘાટલોડીયાની એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વેજલપુર અને પ્રહલાદનગરની એપોલો ફાર્મસી પણ આ યાદીમાં શામેલ હતી.
નિરીક્ષણ દરમિયાન ૮ પૈકી ૫ મેડિકલ સ્ટોર્સમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કફ સિરપ વેચાતી હતી. જ્યારે અન્ય ૨માં ફાર્માસિસ્ટ હાજર હોવા છતાં પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ થયું. એક સ્ટોર નિરીક્ષણ સમયે બંધ હતું. મેડિકલ સ્ટોર્સના ખુલાસા મળ્યા બાદ નિયમોનુસાર કડક કાર્યવાહી કરાશે.
તંત્ર ભેળસેળ અને બનાવટી દવાના વેચાણ કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. તે સમયાંતરે મેડિકલ સ્ટોર્સ તપાસી રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી, એક્ષપાયર્ડ-ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર કફ સિરપ, MTP કીટ જેવી ખામીઓ પર સને ૧૯૪૦ના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ પગલાં ભરે છે.












Click it and Unblock the Notifications
